• નેશનલ કાઉન્સિલમાં ગુજરાતનું પત્તુ કાપવાનું રાજકારણ

  • વેપારી હિતના ક્ષેત્રમાં ABVPની લાળ ટપકી !
  • 6 બેઠકો સામે બાવન ઉમેદવારો મેદાને

વેપારી હિતો સાથે સંકળાયેલી ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ- RSSને બરોબરનો રસ પડયો છે. એથી છાત્ર રાજનીતિ પુરતા મર્યાદિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ- ABVPને નામે દબાણ વધારતા છેવટે ભાજપને સ્ટેટ કાઉન્સિલની ચૂંટણીમાં જાહેર કરેલી છ ઉમેદવારોની પેનલ, તેમને આપેલા મેન્ટેડ રદ કરવા પડયા છે. કહેવાય છે કે, 75 વર્ષે નેશનલ ફાર્મસી કાઉન્સિલના પ્રમુખપદે પહોંચેલા ગુજરાતીનું પત્તુ કાપવા RSSએ ABVPના નામે પ્રદેશ ભાજપ ઉપર દબાણ કર્યુ છે. રાષ્ટ્રીય સ્તરે ખેલાઈ રહેલા મોટા રાજકરણમાં મંગળવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ આ ચૂંટણી રસપ્રદ બની રહેશે.

10 વર્ષ પછી ગુજરાત ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી યોજાઈ રહી છે. જેના માટે ભાજપે ABVPના ડો.સંજય ચૌહાણ, નેશનલ કાઉન્સિલના પ્રમુખ ડો.મોન્ટુ પટેલ, ભરત પટેલ, જિગ્નેશ પટેલ, રસીક પટેલ અને ડો. જે.આર.ચાવડા એમ છ ઉમેદવારોની પેનલ ગત સપ્તાહે જાહેર કરી હતી. ભાજપે આ છને મેન્ડેટ અર્થાત પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ RSS અને ગુજરાત ટેકનિકલ યુનિ.ના પૂર્વ કુલપતિ નવિન શેઠ અને ABVP સાથે જોડાયેલા સી.એન.પટેલે વિરોધ નોંધાવ્યાનું કહેવાય છે. એટલું જ નહિ, સ્ટેટ કાઉન્સિલની ચૂંટણીમાં સૌથી મોટા સંગઠન એવા ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશન- FGSCA સાથે ABVPને સામેલ કરીને ઉમેદવારો ઉતારવાનું શરૂ કરતા છેવટે ભાજપને સાત જ દિવસમાં પોતાની પેનલને આપેલા મેન્ડેટ પાછા ખેંચવાનું જાહેર કરવું પડયું છે. જેની પાછળ RSSના કેટલાક નેતાઓએ ABVPને આગળ ધર્યાનું બહાર આવ્યું છે.

80 હજારથી વધુ મતદારો ધરાવતી ફાર્મસી સ્ટેટ કાઉન્સિલમાં અલગ અલગ કેટેગરીમાં છ બેઠકો છે. જેના માટે બાવન (52) ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે. મંગળવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા પછી ABVP કોને સમર્થન જાહેર કરે છે, મેન્ડેટ આપે છે. તેના પર સૌની નજર છે. ઉલ્લેખનિય છે કે, સ્ટેટ કાઉન્સિલની ચૂંટણી 16 ઓક્ટોબરથી 7 નવેમ્બર વચ્ચે યોજનાર મતદાનની પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહેશે.


  • Follow us on: