સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં તા. 30મી એપ્રિલે બુધવારે અખાત્રીજની ઉજવણી કરવામાં આવશે. ખાસ કરીને અખાત્રીજનો પાવનકારી દિવસ એ ધરતીપુત્રો માટે શુભ ગણાય છે. આ દિવસે તેઓ નવા ખેતીવર્ષનો પ્રારંભ કરે છે. સુખી અને સંપન્ન ખેડૂતો ટ્રેક્ટરો પણ ખરીદતા હોય છે. ત્યારે અખાત્રીજને લઇને ટ્રેક્ટરોનું વેચાણ વધવાની અપેક્ષા ઓટો ડિલર્સ રાખી રહ્યા છે. બીજી તરફ સોનાના ભાવોમાં તોફાની તેજીના પગલે ઘરાકી નીકળશે કે કેમ ? તેને લઇને જ્વેલર્સમાં મૂંઝવણ પ્રવર્તી રહી છે. 30મીને બુધવારે અખાત્રીજના શુભ દિવસે ખેડૂતો નવા કૃષિ વર્ષનો પ્રારંભ કરશે. ખેડૂતોના પરિવારો માટે અખાત્રીજનો દિવસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. અખાત્રીજના દિવસે ધરતીપુત્રો ખેતીકામોની શરૂઆત કરતા હોય છે. આ શુભ દિવસે વાહનો, સોના-ચાંદીના દાગીના, સિક્કા વગેરેની ખરીદી કરી જિલ્લાવાસીઓ સારા કાર્યોનો પ્રારંભ કરતા હોય છે. અખાત્રીજ એટલે કે, અક્ષય તૃતિયાનો દિવસ ખુબ જ શુભ માનવામાં આવે છે. અખાત્રીજે કોઈપણ નવા કાર્યોનો શુભારંભ કરવાની વર્ષોની પરંપરા ચાલી આવી છે. સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં અખાત્રીજની ખુબ જ હર્ષભેર ઉજવણી કરવામાં આવશે. ખેડૂતો માટે ખુબ જ મહત્વના આ દિવસે સવારે ખેતરોમાં જતા પહેલાં બળદોને ચાંલ્લા કરી શિંગડે તેલ લગાવી નાડાછડી બાંધી ગોળ ખવડાવી રવાના કરશે, ઉપરાંત ખેતરોમાં શ્રીફળ વધેરી પુજા કરી નવું ખેતી વર્ષ સારૂ જાય તેવી પ્રાર્થના સાથે ખેતીકામોનો પ્રારંભ કરશે. ખેડૂતો ખેત ઓજારોની પણ પુજા કરશે. આજના આધુનિક સમયમાં બળદગાડાંનું સ્થાન ટ્રેક્ટરોએ ભલે લઇ લીધું છે. પરંતુ જાણીને નવાઇ લગાશે કે આજે પણ એવા ઘણા ધરતીપુત્રો છે. જેમણે બળદગાડાંની પરંપરા જાળવી રાખી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ સીમ ખેતરોમાં નાના-મોટા ખેતીકામો માટે બળદગાડાનો ઉપયોગ થાય છે.
સોનાના ભાવોમાં ભારે ઉછાળાથી જ્વેલર્સમાં નિરાશા










