બાયડ-ગાબટ રોડ પર રડોદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી જમીન પર ત્રણ જિલ્લાના હોમગાર્ડ તાલીમ ભવનનું નિર્માણ કરવા માટે કવાયત શરૂ થઈ છે. અરવલ્લી જિલ્લા હોમગાર્ડ યુનીટ દ્વારા રડોદરા ગ્રામ પંચાયતે ફાળવેલી જમીનનું તાજેતરમાં નિરિક્ષણ કરવામાં આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બાયડ તાલુકાની રડોદરા ગ્રામ પંચાયતે વર્ષ 1993માં બાયડ - ગાબટ રોડ પર આવેલી ગૌચરની જમીન પૈકીની 13 વિઘાં જમીન હોમગાર્ડ તાલીમ ભવન બનાવવા માટે ફાળવી હતી. પરંતુ 32 વર્ષ કરતાં પણ વધુ સમય પસાર થઈ જવા છતાં નવું તાલીમ ભવન બનાવવા માટે કોઈ જ હિલચાલ ન થતા ગ્રામજનોમાં પણ આૃર્ય સર્જાયુ હતુ. આ અંગે રડોદરા જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય રવિભાઈ પટેલે જણાવ્યું કે તંત્ર દ્વારા આ અંગે કોઈ જ કાર્યવાહી ન થતા ફાળવેલી જમીન પરત લેવા મામલે શરતભંગ હેઠળ પત્ર વ્યવહાર કરવામાં આવતા જિલ્લાનું તંત્ર સફાળુ જાગ્યું હતુ. તાજેતરમાં જિલ્લા હોમગાર્ડ યુનીટના જવાબદારો દ્વારા જમીનનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતુ. હવે તંત્રએ અહીં તાલીમ ભવનનું નિર્માણ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ડીઆઈએલઆર કચેરી મોડાસાને પત્ર લખી સર્વેયર મારફતે સર્વે કરાવી નક્શા તૈયાર કરવાની સુચના આપવામાં આવી છે. જેના પગલે આગામી સમયમાં અહીં હોમગાર્ડ જવાનો માટે તાલીમ ભવનનું નિર્માણ થશે તેવી અપેક્ષા છે. અહીં અરવલ્લી ઉપરાંત મહીસાગર, સાબરકાંઠા જિલ્લાના હોમગાર્ડ જવાનોને તાલીમ આપવા માટે વિશાળ સંકુલ ઉભુ કરવામાં આવશે. આ તાલીમ ભવન બન્યા બાદ જિલ્લાના જવાનોને બહાર અથવા અમદાવાદ તાલીમ મેળવવા માટે જવું પડશે નહીં. આ અંગે અરવલ્લી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ડી.પી.પટેલે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું કે સદર 13 વિઘા જેટલી ગૌચર જમીન રડોદરા ગ્રામ પંચાયત દ્વારા હોમગાર્ડ તાલીમ ભવન બનાવવા ફાળવવામાં આવી હતી. હાલમાં ડીઆઈએલઆરના સર્વેયર મોકલી માપણી કરાવાઈ છે. નક્શા તૈયાર કરવા જણાવ્યું છે. નક્શા તૈયાર થયા બાદ ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનને મોકલવામાં આવશે. કોર્પોરેશન માળખુ બનાવવા કેટલો ખર્ચ થશે તેનો અંદાજ તૈયાર કરશે. ત્યાર પછી સરકારની મંજુરી મળતા ટેન્ડરીંગ પ્રક્રિયા કરાશે. પછી કોર્પોરેશન તેની નિગરાની હેઠળ ભવનનું બાંધકામ કરવામાં આવશે. અહીં અરવલ્લીના 1300 હોમગાર્ડ જવાનો ઉપરાંત મહિસાગર અને સાબરકાંઠા જિલ્લાના મળીને અંદાજે 4 હજાર જવાનોને તાલીમ આપી શકાય તે માટે બાંધકામ થશે. આ હોમગાર્ડ જવાનોને રહેવાની સુવિધા, જમવા માટે કેન્ટીન, તાલીમ માટેનો ટ્રેક, અધિકારીઓને રહેવાના આવાસ સહિતની અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. હાલમાં હોમગાર્ડ જવાનોને આ પ્રકારની તાલીમ મેળવવા માટે મહેસાણા જવુ પડતુ હોય છે. પરંતુ એકવાર અહીં આપણા જિલ્લામાં ઘરઆંગણે તાલીમ ભવન તૈયાર થયા બાદ અરવલ્લી જ નહીં પરંતુ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના હોમગાર્ડ જવાનોને અહીં તાલીમ આપી શકાય તેવી સુવિધાઓ ઉભી કરવામાં આવનાર છે.










