• સંજોગનગરનાં શાહનવાઝ સુમરાને પૂછપરછ માટે લઇ જવાયો: પીઆઈ
  • અમદાવાદના એડવોકેટને ધમકીના કેસમાં ભુજના શખસની પૂછપરછ
  • નૂપુર શર્માના સમર્થનમાં વ્હોટસઅપ સ્ટેટ્સમાં રાખતાં અપાઈ હતી ધમકી

અમદાવાદના હાઈકોર્ટમાં પ્રેક્ટીસ કરતા એડવોકેટને ધમકી આપવાના કેસમાં સાબરમતી પોલીસે ભુજના સંજોગનગરમાં રહેતા શાહનવાઝ સુમરાને પૂછપરછ માટે લઈ ગઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. એડવોકેટે નૂપુર શર્માને સમર્થન આપતું સ્ટેટ્સ રાખતાં ભુજના શખસે ફોન કરીને ધમકી આપી હતી, જે મામલામાં સાબરમતી પોલીસ ભુજના યુવાનને પૂછપરછ માટે લઇ ગઇ છે.

એડવોકેટ કૃપાલ સુરેશકુમાર રાવલે ગત તા.13નાં વ્હોટસઅપ સ્ટેટ્સમાં નૂપુર શર્માનો ફોટો મુક્યો હતો. બાદમાં લઘુમતી સમુદાયના મિત્રોની લાગણી દુભાશે તેવા વિચાર સાથે ત્રણ મિનિટ બાદ સ્ટેટસ ડિલીટ કર્યું હતું. જોકે, ફોટો ડિલીટ કર્યાના બે કલાક બાદ અજાણ્યા મોબાઇલ નંબર પરથી 'તુ કીસ હિસાબ સે વો...... નૂપુર કો સપોર્ટ કર રહા હૈ ' તેવો મેસેજ આવ્યો હતો. વકીલે સામે મેસેજ કરીને કહ્યું કે, 'તમે કોણ બોલો છો તેથી સામેથી ફરી મેસેજ આવ્યો કે કોન કો છોડ, પહલે જવાબ દે' તેવો મેસેજ આવ્યો હતો. જેના પગલે વકીલે વ્હોટસઅપમાં તે નંબર બ્લોક કર્યો હતો તેમ છતાં તે જ દિવસે બપોરે 3.10 વાગ્યે ફરીથી તે ઇસમે ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં તેમણે સાબરમતી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી સામે ગુનો નોંધાવ્યો હતો.

જે મામલામાં પોલીસે તપાસ હાથ ધરતાં આરોપી ભુજનો હોવાનું જાણવા મળ્યું હતું. તેથી અમદાવાદની સાબરમતી પોલીસ ભુજના સંજોગનગરમાં રહેતા આરોપી શાહનવાઝ મોહમ્મદ હુશેન સુમરાને પૂછપરછ માટે પકડી ગઇ હતી. આ અંગે ભુજ એ ડિવિઝન પી.આઇ. એ.સી.પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદની સાબરમતી પોલીસ ભુજના સંજોગનગરમાં રહેતા શાહનવાઝ સુમરાને પૂછપરછ માટે લઇ ગઇ છે.


  • Follow us on: