• સરકારી અધિકારીઓ હવે વોડાફોનને બદલે 'જિયો' વપરાશે

  • 12 હજારથી વધુ વપરાશકર્તાઓને તાબડતોબ બિલ ચૂકવવા GADનો આદેશ
  • વોડાફોન- આઈડિયાના બાકી બીલો 31મી મે 2023 સુધી ભરપાઈ કરવા કહેવાયુ

ગુજરાત સરકારના અધિકારીઓના સરકારી મોબાઈલ નંબરના પોસ્ટપેઈટ કનેક્શનમાં વોડાફોન-આઈડીયાને બદલે રિલાન્સ- જિયોની સેવા વાપરશે. 17 વર્ષથી ક્લોઝડ યુઝર ગ્રુપ- CUG પ્લાન સાથે અનલિમિટેડ લોકલ કોલ્સ, મેસેજીસ, ડેટા સર્વિસ પ્રોવાઈડ કરતા વોડાફોનના મંથલી પ્લાન કરતા જિયો દ્વારા 50 ટકા ઓછા ચાર્જની પેશકશ થતા સરકારે આ નિર્ણય કર્યો છે. સરકારી સેવા હેઠળના 12 હજારથી વધુ અધિકારી, કર્મચારી, કચેરીઓમાં વોડાફોનના કનેક્શન છે. એ તમામ તત્કાળ અસરથી જિયોમાં પોર્ટેબિલિટી કરાવી શકે તેના માટે સામાન્ય વહિવટ વિભાગ- GADએ વપરાશકર્તાઓને 31 મે 2023 સુધીમાં તાબડતોબ બાકી બીલ ભરપાઈ કરવા આદેશ કર્યો છે. GADના એડિશનલ સેક્રેટરી જ્વલંત દ્વિવેદીની સહીથી ટેલિકોમ કંપની અને પોસ્ટપેઈડ પ્લાન ચેન્જ કરવા માટે વિસ્તૃત ઠરાવ પ્રસિધ્ધ થયો હતો. જેમાં જિયોની સર્વિસ રૂ.37.50ના મંથલી રેન્ટલ સાથે ઉપલબ્ધ હોવાથી જેઓ વોડાફોનની સર્વિસ હેઠળ છે તેમને મેગા પોર્ટેબિલિટી કરાવવા માર્ગદર્શિકા પરિપત્રિત થઈ છે. હાલમાં વોડાફોનનો પોસ્ટપેઈડ મંથલી રેન્ટલ પ્લાન રૂ.364 આસપાસ છે. જેમાં અનલિમિટેડ લોકલ કોલ્સ, ડેટા અને મેસેજીસનો સમાવેશ થાય છે. જિયો સર્વિસમાં માસિક પ્લાન રૂ.37. 50 પૈસા છે પરંતુ, મહત્તમ સ્પિડથી અનલિમિટેડ ડેટા માટે રૂ.125 સુધીનો ચાર્જ છે. આથી, આ પ્લાન વોડાફોનથી અડધી કિંમતમાં ઉપલબ્ધ હોવાથી સરકારે આ નિર્ણય કર્યો છે. સરકારમાં ક્લાસ વન- ટુ ઓફિસરો અને કેટલાક કિસ્સામાં વર્ગ-3 માટે પણ મોબાઈલ ઉપલબ્ધ છે. સચિવાલય, સ્ટેટ, સેન્ટ્રલ અને અન્ય કેડરો તેમજ બોર્ડ- કોર્પોરેશનના અધિકારી- પદાધિકારીઓને ફાળવાયેલા મોબાઈલની સંખ્યા 12 હજારથી વધુ છે. આ તમામ નંબરો યથાવત રહેશે. ટેલિકોમ સર્વિસ માટે મેગા પોર્ટેબિલિટી અર્થાત સામુહિકપણે કંપનીની તબદિલી થશે. આ પ્રક્રિયાને આગળ વધારવા માટે GADએ અલગથી આદેશ થયો છે. સેક્શન ઓફિસર કુલદીપસિંહ સોલંકીની સહીથી પ્રસિધ્ધ પરિપત્રમાં વોડાફોનમાંથી જિયો વચ્ચે મેગા પોર્ટેબિલિટી અર્થાત રેટ કોન્ટ્રાક્ટની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મોબાઈલ નંબરોના વોડાફોન- આઈડિયાના બાકી બીલો 31મી મે 2023 સુધી ભરપાઈ કરવા કહેવાયુ છે.


  • Follow us on: