- ગત મે માસમાં દુબઈથી આવેલા વહાણમાંથી ડીઝલ બારોબાર વેચી નાખ્યું
- વહાણમાં 110 બેરલ ડીઝલ હતું તેમાંથી 80 બેરલ વેચી નાખ્યું
- રૂ.13 લાખની ડયૂટી રિકવરી એકાદ દિવસમાં થશે
એકસમયે દાણચોરી માટેુ કુખ્યાત અને હવે ડ્રગ્સના કારોબાર માટે હોટ સ્પોટ બનેલા જામનગર જિલ્લાના સલાયામાં સ્થાનિક કસ્ટમ્સે આકરી કાર્યવાહી હાથ ધરી ગત મે માસમાં દુબઈથી આવેલા વહાણમાંથી ડીઝલના બેરેલો બારોબાર વહેચી નાખવાનું કારસ્તાન ઝડપી લઈ રૂ.1.30 કરોડની કિંમતનું 500 ટનની ક્ષમતા ધરાવતું વહાણ જપ્ત કરી રૂ.13 લાખની કસ્ટમ્સ ડયુટીની વસુલાત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ગત મે માસમાં વહાણોની બીચીંગ સિઝન દરમિયાન દુબઈથી સાગરદર્શન નામનું 500 ટનની વહાણ સલાયા આવેલ હતું અને જયારે વહાણ આવ્યું ત્યારે તેમાં 110 બેરલ ડીઝલનો સ્ટોક હતો ત્યારે સ્થાનિક કસ્ટમ્સના સુપ્રિ., ઈન્સપેકટર દ્વારા જામનગર કસ્ટમ્સના ડે.કમિશનરના માર્ગદર્શન હેઠળ ગુપ્તરાહે માહિતી મેળવી હતી કે વહાણમાંથી ડીઝલ બારોબાર વેચાણ થઈ રહ્યું છે જે માહિતીની ખરાઈ કરી વહાણ પર જઈ તપાસ કરતા 110 બેરલમાંથી 80 બેરલ ઓછા જોવા મળ્યા હતા.આથી રૂ.1.30 કરોડનું કિંમતનું વહાણ જપ્ત કરી વેચાણ કરી નાખેલ 80 બેરલ ડીઝલ પર થતી રૂ.13 લાખની કસ્ટમ્સ ડયુટીની વસુલાત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.ભારતમાં ડીઝલની કિંમત આસમાને હોવાથી અમુક વહાણો જે ગલ્ફના દેશોમાંથી ભારતમાં આવી રહ્યા છે તેઓ દ્વારા જરૂરિયાત હોય તેના કરતા વધુ માત્રામાં ડીઝલનો જથ્થો લાવી સ્થાનિક બજારમાં વેચાણ કરી રોકડી કરતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.










