સાણંદ નગરપાલિકા વિસ્તારમાં કચરાગાડીના અકસ્માતની ઘટના સામે આવી છે. કચરાગાડીએ સ્પીડબ્રેકર કુદાવતા એક યુવતીનું મોત થયું છે. કચરાગાડીના ડબા પર બેઠેલી એક યુવતી નીચે પડતા તેનું મોત થયું છે. ગીબપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે આ અકસ્માત સર્જાયો છે. હાલમાં યુવતીના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. મૃતક યુવતીનું નામ મમતાબેન ભીલવાલ હોવાનું જાણવા મળ્યું છે.

કચરાગાડીના ડબ્બા પર બેઠેલી યુવતીનું નીચે પડતા મોત

સાણંદ નગરપાલિકા ફાયર સ્ટેશનમાં રહેતા વિનોદભાઈએ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેઓ સાણંદ નગરપાલિકા વિસ્તારમાં કચરો ઉપાડવાનું અને ટ્રેક્ટરમાં ભરીને તેને ઠાલવવાની કામગીરી કરે છે. તેમના બેનની દીકરી મમતા સાણંદ ખાતે રહેવા આવી હતી અને સાણંદ નગરપાલિકાની કચરાની ગાડી છોટા હાથી નંબર GJ-05-CW-3762માં 1 માર્ચના રાત્રીના આશરે 1.30 વાગ્યે ગીબપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે સ્પીડમાં બમ્પ કુદાડી દેતા પાછળના ડબ્બા પર બેઠેલી યુવતી ગાડી ઉપરથી નીચે રોડ ઉપર પડી ગઈ હતી અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.

મૃતદેહને PM અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો

આ બનાવની જાણ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા 108ની ટીમ મમતાબેનને સારવાર આપે તે પહેલા તેમનું મૃત્યુ થઈ ગયું હતું અને ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ સાણંદ પોલીસને કરવામાં આવતા સાણંદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
  • Follow us on: