સંખેડામાં તડવી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં 43 યુગલોએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇને નવું જીવન શરૂ કર્યું હતું. સમારોહ એક મહત્વપૂર્ણ સામાજિક પહેલનો ભાગ હતો. જેમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને લગ્નના ખર્ચનો બોજ ઘટાડીને સામૂહિક રીતે વિવાહની વ્યવસ્થા કરાઇ હતી. જેમાં સમાજના સભ્યો એકઠા થઈને નવદંપતીઓને આશીર્વાદ આપી જરૂરી સહાય પૂરી પાડી હતી.


છેલ્લા એક મહિનાથી તડવી સમાજના 21માં સમુહ લગ્નને સફ્ળ બનાવવા સંખેડા તડવી સમાજની વાડી ખાતે તડામાર તૈયારી કરાઈ હતી. જેમા 43 જોડાઓ માટે અલગ અલગ ચોરી બનાવાઇ હતી. કરિયાવરનો સામાન પણ સમુહ લગ્ન કમિટી દ્વારા કન્યાઓને અપાયો હતો. વહેલી સવારથી તડવી સમાજના લગ્નમાં જવા માટે ડીજેના તાલ સાથે તડવી સમાજના લોકો લગ્ન સ્થળે ઊમટયા હતા. વર અને કન્યા પક્ષેથી અલગ અલગ વાહનોમાં સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી પણ તડવી આગેવાનો અને કાર્યકરો વર અને કન્યા પક્ષના પરિવારજનો મોટી સંખ્યામાં ઊમટયા હતા. સમુહ લગ્નમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર, બરોડા ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે તડવી સમાજ પ્રગતિ કરી રહ્યો તે જોઈ હું ખૂબ જ ખુશ થયો છું. એક જ મંડપ નીચે 20 હજાર જેટલા તડવી સમાજના યુવાનો અને વર કન્યા પક્ષના પરિવારજનો, કાર્યકરોને જોઈ ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું. તડવી સમાજના વિકાસ માટે સંખેડાની વાડી સૂચક બની છે તેમ સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ જણાવ્યું હતું. જ્યારે દહેજ, દારૂ અને ડીજેના દૂષણછી આદિવાસી સમાજ દૂર રહે તે જરૂરી છે તેમ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું.


  • Follow us on: