- પાંચ વર્ષમાં પહેલીવાર નર્મદાના સ્ત્રાવ ક્ષેત્રમાં ઓછો વરસાદ
- ગત વર્ષે ઓગસ્ટમાં 23 દરવાજા ખોલવા પડયા હતા
- મહત્તમ સપાટીથી પાણી હજુ 4.69 મીટર નીચે
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા બંધને સંપૂર્ણ ભરવાની મંજૂરી મળ્યાને પાંચ પૂર્ણ થઈ રહ્યા છે. આ વર્ષોમાં પહેલીવાર સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીના ચોમાસામાં આ બંધ હજીએ 16 ટકા ખાલી છે. નર્મદા નદીના સ્ત્રાવ ક્ષેત્ર (કેચમેન્ટ એરિયા)માં ચાલુ ચોમાસે સૌથી ઓછો વરસાદ છે. આખો ઓગસ્ટ કોરોધાકોર રહ્યો છે. આ સ્થિતિ ઓક્ટોમ્બર સુધી રહી તો ગુજરાતમાં આગામી ઉનાળો પાણીની સમસ્યાને લઈને આકરો બની રહેશે તે નક્કી છે.
સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓએ 'સંદેશ' સાથેની વાતચીતમાં કહ્યું કે, 138.68 મીટર ઉંચાઈનો બંધમાં પાણીની સપાટી 133.99 મીટરે છે. 4.69 મીટર ખાલી છે. શુક્રવારની સવારે બંધ કુલ ક્ષમતાના 84. 54 ટકા ભરાયેલો છે. મધ્યપ્રદેશથી ગુજરાત સુધીના નર્મદા નદીમાં જ્યાંથી વરસાદનું પાણી આવે છે તે 97,410 ચોરસ કિલોમીટરના નર્મદા કેચમેન્ટ એરિયામાં આ વર્ષે ચોમાસામાં વરસાદ ઓછો છે. જેના કારણે 9,460 મિલિયન ક્યુબિક મિટર- સ્ઝ્રસ્ ક્ષમતા સામે માત્ર 7,988 સ્ઝ્રસ્ જ પાણી સંગ્રહ થઈ શક્યો છે. અલબત્ત હાલમાં ચોમાસુ ચાલુ છે અને ક્લાઈમેન્ટ ચેન્જમાં બદલાયેલી પેટર્ન મુજબ આ વર્ષે વિલંબથી સારા વરસાદની આશા છે. એથી, સરદાર સરોવર નર્મદા બંધ ભરાય તેવી શક્યતા છે. ગત વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ બે મહિનામાં 134 મીટરની સપાટીએ પાણી પહોંચતા નર્મદા બંધના દરવાજા ખુલ્લા મુકવા પડયા હતા. કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદને કારણે ગત વર્ષે 16 ઓગસ્ટના રોજ નર્મદા બંધ ઉપરના 23 દરવાજા ખુલ્લા મુકાયા હતા. જે દરવાજા સાથે સંપૂર્ણ ડેમ તૈયાર થયા પછીની પ્રથમ ઐતિહાસિક ઘટના હતી. આ વર્ષે હજી 16 ટકા ડેમ ખાલી છે. એથી પુરતા વરસાદને અભાવે ખરીફ- 2024માં પિયત, તે પછી ઉનાળામાં પીવાના પાણીનું વિતરણ પડકારરૂપ બની રહે તો નવાઈ નહી.










