• જે વાલી ફી ના ભરે તો સ્કૂલ રોજના રૂ.30 પ્રમાણે પેનલ્ટી પણ વસૂલ કરતી હતી

  • વાલીઓમાં ઉગ્ર રોષ, ડીઈઓને ફરિયાદ કરતા ડીઈઓએ સ્કૂલને નોટિસ ફટકારી તપાસ બેસાડી
  • વાલીઓની ફરિયાદ પરથી તપાસ સોંપાઈ છે : ડીઈઓ

સેટેલાઈટ વિસ્તારની લોટસ સ્કૂલ દ્વારા તોતિંગ ફી વધારો કરવામાં આવતા તેમજ લેઈટ ફી ભરવા પર પેનલ્ટી વસૂલ કરવામાં આવતા વાલીઓમાં આક્રોશ ફેલાયો હતો. આ મુદ્દે વાલીઓએ સ્કૂલ પર જઈને હોબાળો મચાવ્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રજૂઆત કરી હતી. જેના પગલે શહેર DEO દ્વારા સ્કૂલને નોટિસ ફ્ટકારી શિક્ષણ નિરીક્ષકને તપાસ સોંપી છે. સ્કૂલ દ્વારા રૂ.18 હજારની ફી વધારી રૂ.40 હજાર કરી દીધી છે. ઉપરાંત લેઈટ ફી પર રોજના રૂ.30 પ્રમાણે પેનલ્ટી વસૂલ કરવામાં આવતી હોવાના આક્ષેપ વાલીઓએ કર્યો છે.સેટેલાઈટમાં આવેલી લોટસ સ્કૂલ દ્વારા ફીમાં અચાનક તોતિંગ વધારો કરાયો હતો. જેની જાણ થતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. જેના પગલે વાલીઓએ સ્કૂલ પર જઈને હોબાળો મચાવ્યો હતો. અનેક રજૂઆત પછી પણ સ્કૂલ તરફ્થી યોગ્ય પ્રયુત્તર ન મળતા છેવટે વાલીઓએ શહેર-જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સમક્ષ પણ ફરીયાદ કરતા DEO દ્વારા શાળા સામે તપાસ કરવામાં આવી છે.

વાલીઓની ફરિયાદ પરથી તપાસ સોંપાઈ છે : ડીઈઓ

લોટસ સ્કૂલને લઈને વાલીઓ દ્વારા ફરીયાદ મળી છે. જેમાં લેટ ફી ભરે તો સ્કૂલ દ્વારા પેનલ્ટી લેવામાં આવે છે તથા ફી વધારો અને અન્ય મુદ્દાઓને લઈને વાલીઓએ રજૂઆત કરી હતી. રજૂઆતના પગલે તાત્કાલીક શાળાને નોટિસ ફ્ટકારી ખુલાસો કરવા જણાવાયું છે. ઉપરાંત વર્ગ-2ના શિક્ષણ નિરીક્ષકને આ મામલે તપાસ સોંપવામાં આવી છે તેમ ડીઈઓ આર.એમ.ચૌધરીએ જણાવ્યું છે.


  • Follow us on: