- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો ફેરબદલ
- ગિરીશ ભીમાણીની કુલપતિ પદેથી વિદાય
- નીલાંબરીબેન દવેને ચાર્જ સોંપવામાં આવ્યો
સતત વિવાદોમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એકવખત ચર્ચામાં છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણીની હકાલપટ્ટી કરવામાં આવી છે. જ્યારે ઇન્ચાર્જ કુલપતિ તરીકે નીલાંબરી દવેને બનાવવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી કૌભાંડોને લઈ ચર્ચામાં રહેવા પામી હતી. ત્યારે આજે એકાએક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. ગિરીશ ભીમાણીને કુલપતિ પદેથી હટાવી ઈન્ચાર્જ તરીકે હોમ સાયન્સ ભવનનાં એચઓડીની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે ર્ડા. ગિરીશ ભીમાણીને ક્યાં કારણોસર હટાવવામાં આવ્યા તે અંગે લોકોમાં અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.
કૌભાંડ ગાજ્યા હતા
મહત્વનું છે કે બે મહિના અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આઠ કૌભાંડો થયા. જેમાં માટી કૌભાંડ, ભરતી કૌભાંડ સહિતના તમામ કૌભાંડ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે . આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારને તપાસ કરવા અંગે પત્ર મળ્યો. જેમાં સરકાર દ્વારા માટી કૌભાંડ, ભરતી કૌભાંડ સહિતના કૌભાંડોને લઇને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત બે સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર એક્શનમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોદ્દેદારો અને સિન્ડીકેટ સભ્યોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અને આવા અનેક મુદ્દે ડેમેજ કંટ્રોલ કરવામાં ગિરીશ ભીમાણી નિષ્ફળ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તેથી એવું મનાઈ રહ્યું છે તેમને કુલપતિ પદેથી રાતોરાત દૂર કરીને ફરીથી નીલાંબરી બેનને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે.
યાદી માગવામાં આવી હતી
એક નોંધનીય વાત એ છે કે મે મહિનામાં યુનિવર્સિટીના સિનિયર ડીનની યાદી માગવામાં આવી હતી. આ યાદી મોકલવામાં આવી હતી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિનિયર ડીનની યાદીમાં કુલ 4 લોકોનો સમાવેશ થયો હતો, જેમાં હોમ સાયન્સ ફેકલ્ટીના ડીન નીલાંબરી દવે, લો ફેકલ્ટીના ડીન મયૂરસિંહ જાડેજા, મેનેજમેન્ટ ફેકલ્ટીના ઇન્ચાર્જ ડીન એસ. ભાયાણી અને આર્કિટેક્ટ ફેકલ્ટીના ડીન દેવાંગ પારેખનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નીલાંબરી દવે અગાઉ એક વખત ઇન્ચાર્જ કુલપતિ રહી ચૂક્યાં છે. આજે ફરી તેમને ઇન્ચાર્જ કુલપિત બનાવવામાં આવ્યાં છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ર્ડા. ગિરીશ ભીમાણીને કુલપતિ પદેથી હટાવી હોમ સાયન્સ ભવનનાં નીલામ્બરીબેન દવેની નિમણૂંક કરવામાં આવી છે. આ પહેલા પણ નીલામ્બરીબેન દવે વર્ષ 2018 થી 19 દરમ્યાન આઠ મહિના સુધી ઈન્ચાર્જ કુલપતિ રહી ચૂક્યા છે. ત્યારે હાલ નીલાંબરીબેન દવે હોમ સાયન્સ ભવનનાં એચઓડી તરીકે ફરજ બજાવે છે. તેમજ તેમનાં પતિ આલોક ચક્રવાત ગુરૂ ઘાંચીદાસ યુનિવર્સિટીનાં કુલપતિ છે.









