રાજ્યમાં ચોરી અને લૂંટના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેવામાં સાવરકુંડલાના નવી આંબરડી ગામે આવેલા માતાજીના મંદિરમાં ત્રણ તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરમાં ઘૂસીને માતાજીના આભૂષનોની ચોરી કરી હતી અને લોકર તોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાવરકુંડલાના નવી આંબરડી ગામે આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. CCTVમાં જોઇ શકાય છે ત્રણ તસ્કોર ચોરીના ઇરાદે મંદિરમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ તસ્કરો માતાજીની મૂર્તિ પરથી બે સોનાની નથ અને બુટીની ચોરી કરી હતી. ચોરી કરતાં પહેલાં તસ્કરોએ પહેલાં માતાજીના દર્શન કર્યા હતા, ત્યારબાદ લોકર તોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ લોકર ખુલ્યું ન હતું અને નકલી આભુષણો ઉપાડી ગયા છે.













