સાયલામાં બે સદી પહેલાથી નિરાધાર, બીમાર, ઈજાગ્રસ્ત અબોલ જીવો માટે કાર્ય કરી રહેલ મહાજન પાંજરાપોળના વીડ સંકુલમાં હાલ 1800થી વધુ પશુઓ આશ્રાય લઇ રહ્યા છે. તાજેતરમાં સાયલા ખાતે ભેગા થયેલા વિવિધ જીવદયા સંસ્થાના મહાજનો તેમજ અગ્રણીઓ દ્વારા તાલુકા તેમજ આસપાસના 30થી 40 કિમી વિસ્તારમાં બીમાર, ઘાયલ અબોલ જીવોને સારવાર મળી શકે તેવી એક પણ આધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલ નહીં હોવા બાબતે ચર્ચા વિમર્શ કરતા અહીં વીડ સંકુલમાં જ અદ્યતન સુવિધા સભર હોસ્પિટલ બનાવવામાં આવે તેવી લાગણી દર્શાવતા સહુ કોઇએ પ્રસ્તાવ સ્વીકારી યથા યોગ્ય આર્થિક સહયોગ આપવાની તત્પરતા બતાવી હતી.
200 વર્ષ જૂની આ સંસ્થા હાલ 170 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે. સાયલા હાઈવે પર અવારનવાર વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા પશુઓ તેમજ કોઈ વખતે પશુઓમાં ફેલાતા રોગચાળા સમયે તાત્કાલિક અને સારી સારવાર નહીં મળતા અબોલ જીવોના મોત નીપજે છે. ત્યારે આવા પશુઓ ને સારી અને તુરંત સારવાર મળી રહે તે આશયથી જીવદયા પ્રેમી અગ્રણીઓ દ્વારા ભગતના ગામ ખાતેની પાંજરાપોળમાં આધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલનું ટૂંક સમયમાં નિર્માણ કરવામાં આવશેનું સંસ્થાના સૂત્રોએ જણાવ્યું હતું. સાયલા પાંજરાપોળ ખાતે હાલ પણ પશુઓની સારવાર માટે ચોવીસ કલાક બે પશુ ચિકિત્સક હાજર જ રહે છે. તેમજ નવી અધ્યતન હોસ્પિટલ બન્યા બાદ અબોલ જીવોને વધુ સારી ચિકિત્સા મળતા મોતની સંખ્યા પણ ઘટશેનું ટ્રસ્ટી ગણ માને છે. અબોલ જીવોની સેવા માટે નવ નિર્માણ પામનાર આ હોસ્પિટલમાં સંપૂર્ણ વાતાનુકૂલિત શ્રેષ્ટ,ઓપરેશન થિયેટર, હાઇડ્રોલિક સેન્સર સહિતની સુવિધાથી સંપન્ન હોવાથી તમામ પશુ, પક્ષીઓની તાત્કાલિક સારવાર શક્ય બનશે. આ કાર્ય માટે મુંબઇના આદી જીન ટ્રસ્ટ, કરુણા ફાઉન્ડેશન રાજકોટ સહિતની સંસ્થાના અગ્રણીઓ દ્વારા પૂરતો સહયોગ આપવા તત્પરતા બતાવી છે. ત્યારે આગામી સમયમાં સાયલા પંથકમાં તમામ અબોલ જીવોની સારવાર માટે અંદાજે 60 લાખથી વધુની રકમથી નિર્મિત આધુનિક પશુ હોસ્પિટલના નિર્માણ માટે મહાજન પાંજરાપોળના ઉપ પ્રમુખ જીતુભાઇ શાહ, ટ્રસ્ટી એવા ધીરુભાઇ શાહ, જયંતિભાઇ સોલંકી સહિતના સેવાભાવી સજ્જનો, દાતાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.










