સાયલા તાલુકામાં થોડા વર્ષોમાં યુવાનો ફોજની નોકરી કરતા દેશ સેવામાં મોટા પ્રમાણમાં જોડાઇ રહ્યા છે. ત્યારે ત્રણ વર્ષ પહેલા ભારતીય નૌ સેનામાં જોડાયેલા કોટડા ગામના યુવાન રોહિતભાઇ જીડિયા કે જેઓ હાલ તમિલનાડુ ખાતે નેવલ બેઝ પર INS કટ્ટાબોમન પર ફરજ બજાવતા હતા.
જેમનું ચાલુ ફરજ દરમિયાન આકસ્મિક અવસાન થયાની જાણ થતા પરિવાર સાથે પંથકમાં ગમગીની સાથે શોકનું મોજું ફેલાઇ જવા પામ્યું હતું. ફરજ દરમિયાન જવાનનું આકસ્મિક અવસાન થયાની જાણ થતાં પરિવાર સાથે સમગ્ર ગામમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. યુવાન રોહિતભાઈના નશ્વર દેહને લઇ નૌ સેનાના જવાનો સાયલા પહોંચ્યા હતા. ત્યાંથી લઈ તેમના ગામ કોટડા સુધી સેંકડો લોકો બાઇક, કાર લઇને જોડાયા હતા. શહીદ યુવાનને વિરાંજલી આપવા માટે રૂટ પરના ગામોમાં શાળાના બાળકો, ગ્રામજનો ઠેર ઠેર પુષ્પ લઈને ઊભા રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કોટડા ગામે યુવાનના ઘરે તેમજ અંતિમ ધામે સેનાના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું તેમજ સાયલા - ધજાળા પોલીસના અધિકારીઓ, સેનાના નિવૃત જવાનો તેમજ પરિવારજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. શહીદ થયેલા જવાન રોહિતભાઇના નશ્વર દેહને ઘરે લાવવા સમયે હૃદયથી ભાંગી પડેલા માતા પિતા તેમજ ખાસ કરીને તેમના સગર્ભા પત્ની સહિતના લોકોના હૈયાફટ રુદનથી હાજર લોકોની આંખો પણ ભીની થઇ જવા પામી હતી. અંતિમ સંસ્કાર સમયે વંદેમાતરમ, ભારત માતા કી જય અને રોહિતભાઇ અમર રહોના નારા સાથે શહીદને અંતિમ વિદાય આપવા વખતે વાતાવરણ ગમગીન બની ગયું હતું.










