સાયલા - ચોટીલા નેશનલ હાઇવે પરના વખતપર ગામના બોર્ડ સામે આવેલ એક હોટલ પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા પૂર્વ બાતમીના આધારે શનિવારે સવારે કરાયેલ દરોડામાં સ્થાનિક ઇસમો દ્વારા ચાલતા કેમિકલ ચોરીના ગેરકાયદે વેપલાનો પર્દાફાશ થવા પામ્યો હતો.
હોટલના પાછળના ભાગે ટેન્કરમાંથી કેમિકલ કાઢવાના કારસ્તાનમાં SMC ના દરોડા સમયે કેમિકલની હેરાફેરી કરતા શખ્સોમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસ દ્વારા સ્થળ પરથી એક આરોપીને દબોચી લેવાયો હતો. જ્યારે અન્ય સાત ફરાર શખ્સો સહિત કુલ આઠ ઇસમો વિરૂધ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી SMCની ટીમે કરેલા દરોડામાં હોટલ પરથી ધર્મેન્દ્ર રાજપૂત નામના શખ્સને ઝડપી લેવાયો છે. ત્યારે મુખ્ય સૂત્રધારો એવા વખતપર ગામના કરશન લખમણભાઇ બાંભા, ગોસળના વલકુ ઉર્ફે જકા માત્રાભાઇ ખાચર સાથે હોટલમાં કામ કરતા કનુ ઉર્ફે કાળુ ખીમાભાઇ બાંભા, રઘુ વનાભાઇ બાંભા , ટેન્કર ચાલક કમલેશ તથા અન્ય બે અજાણ્યા ઇસમો એમ કુલ આઠ ઇસમો વિરૂધ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં મોડી સાંજે ગુનો નોંધાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હોટલોની આડમાં હાઈવે પર ચાલતા બેનંબરના ધંધાઓ પર અવારનવાર દરોડા છતાં આ દૂષણ અટકાવવામાં સ્થાનિક તંત્ર વામણું પુરવાર થતું જોવા મળી રહ્યું છે. ત્યારે SMCના છાપા બાદ કેમિકલ ચોરોએ પોત પોતાની માયા હાલ થોડો સમય માટે સંકેલી ભૂગર્ભમાં ઉતરી જવાનું મુનાસીબ માન્યું છે.
SMC દ્વારા દરોડા સ્થળે તપાસ હાથ ધરતા 30 હજાર લિટરથી વધુ કેમિકલ ભરેલ એક ટેન્કર, અન્ય કેમિકલ ભરેલા કેરબા સાથે ડીઝલ, પેટ્રોલનો પણ મોટો જથ્થો મળી આવ્યો હતો. તંત્રની ટીમ દ્વારા આ સાથે કેમિકલ, ટેન્કર, પિકઅપ કાર, એક બાઇક, રોકડ રકમ, ખાલી બેરલો તેમજ કેરબા સહિત કુલ રૂ. 74,68,300નો મુદ્દામાલ જપ્ત કરતા કેમિકલ માફીયાઓમાં ફ્ફ્ડાટ ફેલાઇ જવા પામ્યો હતો.