• અરણ્ય વિસ્તારમાંથી મળેલું કંકાલ સ્ત્રીનું છે કે પુરુષનું તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી

  • હત્યા કે આત્મહત્યા બાબતે રહસ્ય ઘૂટાયું
  • માનવ કંકાલ સ્ત્ર્રીનું છે કે પુરુષનું તે તો ફોરેન્સિક તપાસ દરમિયાન જ જાણી શકાય

સાયલાના ગુંદીયાવડા ગામની સીમમાં આવેલ વન વિભાગના જંગલમાં સળગી ગયેલી હાલતમાં માનવ ખોપરી તથા અન્ય અવશેષો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. અરણ્ય વિસ્તારમાં મળી આવેલ માનવ કંકાલ બાબતે ધજાળા પોલીસને જાણ કરાતા પીએસઆઇ ડી.ડી.ચુડાસમા સહિતનો કાફ્લો ત્યાં દોડી ગયો હતો અને મળી આવેલ કંકાલ બાબતે સ્થાનિક સરપંચ, ફેરેસ્ટ વિભાગ સહિતના લોકોને બોલાવી મૃતકની ભાળ મેળવવાની કવાયત હાથ ધરાઇ હતી. ઉલ્લેખનીય છે કે થોડા મહીના પહેલા વાંટાવચ્છની સીમમાં સૂરજ ભૂવા નામના શખ્સ તથા તેના મળતીયાઓ દ્વારા જુનાગઢની યુવતીને જંગલમાં સળગાવી નાખ્યાનો ગુનો દાખલ કરાયો હતો. ત્યારબાદ ગુંદીયાવડાની સીમમાંથી અજાણી વ્યક્તિનું માનવ કંકાલ મળી આવતા ગુનેગારો માટે આવા જંગલ વિસ્તારો સલામત બની રહ્યા હોવાનું ચિત્ર સર્જાયું છે. ગુંદીયાવડા ગામે આવેલ ફોરેસ્ટના જંગલ વિસ્તારમાં બપોરના સમયે કોઇએ માનવ ખોપરી તેમજ અસ્થિઓ પડેલા જોતા તુરંત ધજાળા પોલીસને જાણ કરવામાં આવી હતી. અવાવરુ સ્થળે મળી આવેલ માનવ કંકાલને લઇ સ્થળ પર પહોંચેલી પોલીસે સંબંધિત વિભાગો તેમજ સરપંચને બોલાવી ગામમાં કે આજુબાજુના ગામોમાં તાજેતરમાં ગુમ થયેલા વ્યક્તિઓની વિગતો એકઠી કરવાની કામગીરી કરતા પંચ રોજકામ કર્યું હતું. સુત્રો પાસેથી વધુમાં મળતી માહીતી મુજબ સળગી ગયેલી હાલતમાં મળેલું માનવ કંકાલ સ્ત્ર્રીનું છે કે પુરુષનું તે તો ફોરેન્સિક તપાસ જ જાણી શકાય. પરંતુ દરમિયાન આ લાશ અહીં બે કે ત્રણ દિવસથી પડી હોવાની શક્યતાઓ છે. કારણ કે લાશ સળગી ગયા બાદ શરીરનો ભાગ જંગલી જનાવરોએ ફડી ખાધો હોવાની પણ આશંકા છે. જંગલ વિસ્તારમાંથી મળી આવેલ કંકાલ બાબતે હત્યા કે આત્મહત્યા બાબતે પણ રહસ્ય ઘુંટાયું છે. ત્યારે પોલીસને મહિલાનું ચપ્પલ તેમજ સ્ત્ર્રીઓ ગળામાં પહેરે તેવું ડોડી, માદળીયા જેવી વસ્તુ સળગી ગયેલ હાલતમાં મળી આવતા તેને કબજે લેતા માનવ અવશેષોને પ્રથમ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પી.એમ કરાવવા ફેરેન્સીક તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: