એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે સાયલાના નાના હરણીયા સીમમાં છાપો મારતાં ગુડદી પાસાનો જુગાર ખેલતા ત્રણ લોકો ઝડપાઈ ગયા હતા.
જ્યારે ત્રણ શકુનિ અંધારાનો લાભ લઈ નાસી છૂટયા હતા. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને કરાયેલ કાર્યવાહીમાં જિલ્લા પોલીસની ટીમે જુગાર સ્થળેથી રોકડ રકમ, મોબાઇલ સહિત કુલ રૂ. 1.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.સાયલાના નાના હરણીયા ગામની સીમમાં કેટલાક શખ્સો દ્વારા ગુડદી પાસાનો મોટો જુગાર ખેલાઈ રહ્યો હોવાની બાતમી મળતા પેટ્રોલિંગમાં રહેલ એલસીબી ટીમે પરોઢના અંધારામાં આરોપી વનરાજની વાડી પાસેની ખુલ્લી જમીનમાં ચાલતા જુગારના અખાડા પર ઓચિંતો છાપો મારતાં જુગાર રમતા ઇસમોમાં નાસભાગ મચી જવા પામી હતી. દરોડા સમયે મુખ્ય સૂત્રધાર અને અખાડાના સંચાલક એવા નાના હરણીયાના વનરાજ અમરાભાઇ ખાચર સાથે ચોટીલાના ઉમેદ જશુભાઈ ધાધલ તથા ખંભાળિયાના મનોજ મોહનભાઈ સોનગરાને દબોચી લીધા હતા. જ્યારે રાજકોટના આસિફ ગુલામહુસેન નાગાણી, અલી તેમજ એક અજાણ્યો શખ્સ અંધારામાં નાસી છૂટવામાં સફ્ળ રહ્યા હતા. પોલીસ દ્વારા ગુડદી પાસા સ્થળેથી રોકડા રૂ. 1,14,500, પાંચ મોબાઇલ સહિત કુલ રૂ.1.59 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.










