ગુજરાત પોલીસ દ્વારા થોડા દિવસોથી ગેરકાનૂની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા બૂટલેગર, ભૂમાફ્યિાઓ, કેમિકલ ચોરો સહિતના માથાભારે ઇસમો પર કાયદાનો કોરડો વીંઝી દેવાતા લુખ્ખા તત્વોમાં ફ્ફ્ડાટ જોવા મળી રહ્યો છે.


સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં થોડા દિવસ પહેલા જ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા વખતપર બોર્ડ સામે આવેલ એક હોટલ પરથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપ્યાના ટૂંક સમયમાં જ જિલ્લા પોલીસ દ્વારા કરાયેલ કાર્યવાહીમાં કેમિકલના ગેરકાયદે વેપલાનું કેન્દ્ર સ્થાન બનેલી તે હોટલ પર બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરી દેવાતા લુખ્ખા તત્વોમાં ખાખીનો ભય પ્રસરી જવા પામ્યો હતો.વખતપરના બોર્ડ સામે આવેલ સરકારી ખરાબાની જમીન પર તિરંગા હોટલના નામે ચણી દેવાયેલ ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરવાની જિલ્લા પોલીસ વડા ડૉ.ગિરીશ પંડયા દ્વારા અપાયેલ સૂચનાઓને લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીના માર્ગદર્શન હેઠળ સાયલા મામલતદાર કચેરીના સર્કલ ધર્મેન્દ્રસિંહ પરમાર, ઈનચાર્જ પીઆઇ એમ.કે.પરમાર સહિતના લોકોની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે હોટલના ગેરકાયદે બાંધકામને તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સાયલાથી લઈ ચોટીલા સુધીના હાઈવેની બન્ને તરફ કેટલાય સ્થાનો પર માથાભારે તત્વો દ્વારા સરકારી જમીનો પર ગેરકાયદે હોટલો ચણી નાખી છે. તેમજ તેની આડમાં ચાલતી કેમિકલ ચોરી, દારૂનું વેચાણ, દેહ વેપાર સહિતની ગેરકાનૂની પ્રવૃતિઓ પર તંત્ર દ્વારા અવારનવાર કાર્યવાહી કરવા છતાં આ પ્રવૃતિ બંધ થવા પામી નથી. ત્યારે હાલ એક્શન મોડમાં આવેલું તંત્ર આવા બાંધકામો પર પણ લાલ આંખ કરતા તેને હટાવે તેવી લોક માંગ પણ પ્રબળ બનવા પામી છે.


  • Follow us on: