સાયલા પંથકમાં અકસ્માતોનો વણથંભ્યો સિલસિલો યથાવત રહેતા અલગ અલગ ત્રણ અકસ્માતોમાં બે માનવ જિંદગીનો ભોગ લેવાયો હતો. જ્યારે એક મહિલા તથા બાળકને ઇજાઓ થવાથી હોસ્પિટલ ખસેડાયા હતા.


સાયલા - ચોટીલા નેશનલ હાઈવે, ડોળિયા હાઈવે તથા સુદામડા હાઇવે પર સર્જાયેલા ત્રણ અકસ્માતોમાં કથિત અન્ય વાહન ચાલકોની બેદરકારીને કારણે બે લોકો મોતને ભેટયા હતા.સાયલા - ચોટીલા હાઇવે પર મોડી રાતે સર્જાયેલા અકસ્માતની વધુમાં મળતી માહિતી અનુસાર મુન્દ્રા પોર્ટથી અમદાવાદ માલ ભરીને નીકળેલ મૂળ ઉતરપ્રદેશના અરવિંદ મુન્નાભાઈ યાદવ નવા સુદામડા બોર્ડ નજીક પોતાની ટ્રક રોડની સાઇડમાં રાખી રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પૂરપાટ ધસી આવેલા અજાણ્યા વાહને તેમને અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ થવા પામી હતી. અજાણ્યા વાહનના ટાયર અરવિંદભાઈના શરીર પર ફરી વળતાં સ્થળ પર જ તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા મૃતકની લાશનું સાયલા હોસ્પિટલ ખાતે પોસ્ટમાર્ટમ કરાવી અક્સ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક સામે ભોગ બનનારની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. સાયલા હાઈવે પર રોડને અડીને ખડકાયેલી ગેરકાયદે હોટલોમાં આડેધડ ઊભા રહેતા વાહનોને કારણે પણ અવારનવાર ગમખ્વાર અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે તંત્ર આ બાબતે લાલ આંખ કરે તે પણ જરૂરી બન્યું છે. શનિવારે સર્જાયેલા બે અલગ અલગ અકસ્માતોમાં હાઈવે રકતરંજિત બન્યો હતો. ડોળિયા-મૂળી હાઈવે પર ચાલતા રોડના કામ પર પોતાના પિતાને ટિફ્નિ આપવા જતી એક 17 વર્ષીય યુવતી માયાબેન કાળુભાઇ મનાતને રોડ પર જતી કારે જોરદાર ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નિપજ્યું હતું.આ રોડનું કામ કરતા કોન્ટ્રાકટર દ્વારા કોઈ સલામતી સૂચક બોર્ડ કે જરૂરી આડશો મૂક્યા વગર ચાલતા કામને કારણે અવારનવાર અહીં અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યો હતો. અક્સ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઇ જતા ચાલક કાર મૂકીને પોબારા ભણી ગયો હતો. સાયલા - સુદામડા રોડ પર સર્જાયેલા અન્ય એક અકસ્માતમાં રોડ પર જતી એક કારને બેફામ ડમ્પરે અડફેટે લેતા કારમાં સવાર લોકોમાંથી મહિલા તથા એક બાળકને ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા તેમજ અન્ય ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. ત્રણેય અક્સ્માતના બનાવમાં અકસ્માતો સર્જનાર ડમ્પર, કાર તથા અજાણ્યા વાહનના ચાલકો હરહંમેશની માફ્ક ફરાર થઇ જવાની બાબત સામે આવવા પામી છે. ત્યારે રફ્તારના રાક્ષસો પર તંત્રનો કાયદાકીય અંકુશ આવે તેવું આમ નાગરિકો ઇચ્છી રહ્યા છે.


  • Follow us on: