- બોર્ડના તત્કાલીન મદદનીશ પશુપાલન નિયામકના એસીબીએ 2 દિવસના રિમાન્ડ મેળવ્યા
- પબ્લીક ચેરિટી એક્ટ હેઠળ નહીં નોંધાયેલા ટ્રસ્ટોને પણ પૈસાની લહાણી કરાઇ હતી
- કૌભાંડમાં બોર્ડના અન્ય અધિકારીઓ, કર્મીઓની સંડોવણીની પણ એસીબીને શંકા
ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડમાં સવા દસ કરોડના કૌભાંડમાં આગામી દિવસોમાં નવાજુનીના એંધાણ વર્તાઇ રહ્યા છે. આ કૌભાંડમાં એસીબીએ જેલમાં રહેલા તત્કાલીન મદદનીશ પશુપાલન નિયાકમની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. એસીબીને શંકા છે કે, આ કૌભાંડમાં બોર્ડના અન્ય કેટલાક અધિકારી કર્મચારીઓની પણ સંડોવણી હોય શકે છે. આ કૌભાંડમાં ઉપરોક્ત અધિકારીની સહિથી 13 ટ્રસ્ટો અને 87 ગ્રામ પંચાયતોને પૈસાની લહાણી કરવામાં આવી છે. જેમાં કેટલાક ટ્ર્સ્ટો તો એવા છેકે, જેની પબ્લીક ચેરિટી એક્ટ હેઠળ નોંધણી જ થઇ નથી. જ્યારે બે ટ્રસ્ટોએ તો સહાય માટે ઓનલાઇન અરજી પણ કરી નથી અને તેમને પૈસા ચુકવી આપવામાં આવ્યા છે. સમગ્ર કૌભાંડમાં અધિકારી ઉપરાંત કોન્ટ્રાક્ટરો અને કેટલાક સરપંચોની પણ ભુમિકા બહાર આવે તેવી સંભાવના છે.
કૌભાંડ વર્ષ 2018થી વર્ષ 2019 દરમિયાન આચરવામાં આવ્યુ હતું. આ સમયે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડમાં મદદનીશ પશુપાલન નિયામક તરીકે ડો. એસ.ડી. પટેલ ફરજ બજાવતા હતા. આ સમયગાળા દરમિયાન તેઓને નાયબ પશુપાલન નિયામકનો વર્ષ 2019માં વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો. આ ચાર્જ દરમિયાન બોર્ડમાં રાજ્યભરમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલ કુલ 13 સંસ્થા-ટ્રસ્ટોને 1.52 કરોડ તથા 17 જિલ્લાની 87 ગ્રામ પંચાયતોને 8.67 કરોડ તેમની સહિથી ચુકવવામાં આવ્યા હતા. તેઓએ બોર્ડના સચિવ , સભ્ય કે સરકારની કોઇપણ પ્રકારની પુર્વ મંજુરી વગર પોતાના કાર્યક્ષેત્ર બહાર નિયમો વિરૂધ્ધ જઇને સત્તાનો દુર ઉપયોગ કરી આ પૈસાની ચુકવણુ કર્યુ હોવાનુ ખુલ્યુ હતું. જે મામલે તત્કાલીન સંયુક્ત પશુપાલન નિયામકે સામે અમદાવાદ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ ડો. શશીકાંત ડાહ્યાલાલ પટેલે હાઇકોર્ટમાંથી ધરપકડ પર સ્ટે મેળવ્યો હતો. બીજીતરફ ગાંધીનગર એસીબીના મદદનીશ નિયામક એે.કે. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એચ.બી.ચાવડાએ તપાસનો દોર સંભાળ્યો હતો.
પ્રાથમિક તપાસમાં ડો. એસ.ડી. પટેલે જે 13 ટ્રસ્ટોને પૈસા ચુકવ્યા હતા. તે પૈકી કેટલાક એવા ટ્રસ્ટો છેકે, જેઓની નોંધણી પબ્લિક ચેરિટી એક્ટ હેઠળ નોંધાઇ જ હતી. જ્યારે બે ટ્રસ્ટ દ્વારા તો સહાય માટેબ્ બોર્ડમાં ઓનલાઇન અરજી પણ કરવામાં આવી નહતી. આ ઉપરાંત ગ્રામ પંચાયતોમાં ગૌચર સુધારણા હેઠળ કામો દર્શાવીને પૈસા ચુકવાયા હતા. તે પૈકી મોટાભાગના ગામોમાં ગૌચર સુધારણાનું કોઇ કામ જ થયુ નથી. એસીબીની તપાસમાં કોન્ટ્રાક્ટરોએ ખોટા બીલો બનાવીને કામો દર્શાવી સહાય મેળવી લીધી હોવાનું પણ બહાર આવ્યુ છે. જે રીતે કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે તે જોતા એસીબીને શંકા છેકે, આ કૌભાંડમાં બોર્ડના અન્ય અધિકારી, કર્મચારીની પણ સંડોવણી હોઇ શકે છે. જે 13 ટ્રસ્ટો અને 87 ગ્રામ પંચાયતોની સહાય મંજુર કરવામાં આવી છે તે ટ્રસ્ટો અને ગ્રામ પંચાયતોમાં કામ કરનાર કોન્ટ્રાક્ટરો પાસેથી અવેજ પેટે નાણા લીધા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. એસીબીએ આ નાણા કોની સુચનાથી ઉઘરાવ્યા હતા, જે પેટે ક્યાં ક્યા અધિકારીને કેટલા નાણા આપવાના હતા તે અંગે પણ એસીબી તપાસ ચલાવી રહી છે.
સમગ્ર કૌભાંડ કોન્ટ્રાક્ટરોએ ટ્રસ્ટો અને ગ્રામ પંચાયતોમાં કોઇ જ પ્રકારની કામગીરી કરી નહી હોવાનું અને સરકારમાંથી નાણા મેળવી લીધા હોવાનું પમ ખુલ્યુ છે. એસીબીએ આ મામલે પુરાવા પણ એકઠા કર્યા છે અને કોન્ટ્રાક્ટરોના રહેણાંક સ્થળે તપાસ પણ કરી છે. જોકે, હજુસુધી તેઓ મળી આવ્યા નથી. જે મોડસ ઓપરેન્ડીથી કૌભાંડ આચરવામા આવ્યુ છે તે જોતા આગામી દિવસોમાં સમગ્ર મામલે હજુપણ કેટલાક ભ્રષ્ટાચારીઓના નામો બહાર આવે તેવી સંભાવના દર્શાવાઇ રહી છે. દરમિયાન એસીબીએ આજે જેલમાં રહેલા ડો. એસ.ડી. પટેલની ધરપકડ કરી વધુ પુછપરછ માટે કોર્ટમાં રજુ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર ધવલ. એ. મહેતાએ આરોપી સામે દસ કરોડથી વધુ માતબર રકમના ગંભીર ગુનાની તપાસ કરવા તેની હાજરીની જરૂર હોય રિમાન્ડ આપવા દલીલ કરતા ગાંધીનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે.આર.શાહે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
લોકરક્ષકની ભરતીમાં ઉમેદવાર પાસેથી લાંચ લેતા ઝડપાયો હતો
ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડમાં સવા દસ કરોડનું કૌભાંડ આચરનાર તત્કાલીન મદદનીશ પશુપાલન નિયામક ડો. શશીકાંત ડાહ્યાલાલ પટેલને જે તે સમયે હાઇકોર્ટે ધરપકડ પર સ્ટે આપ્યો હતો. દરમિયાન તેની ગાંધીનગર એસબીએ એક લાંચ કેસમાં પણ ધરપકડ કરી હતી. તેણે લોકરક્ષક ભરતીમાં એક ઉમેદવારને પાસ કરાવી વતનના જિલ્લામાપોસ્ટીંગ આપવાનું જણાવી બે લાખની માંગણી કરી હતી. જે પેટે રૂા. 15 હજારની લાંચ લેતા એસીબીએ તેને ઝડપી લીધો હતો. આ ગુનામાં તે જેલમાં હતો. દરમિયાન ઉપરોક્ત પ્રકરણમાં એસીબીને તપાસમાં તેની જરૂર જણાતા જેલમાંથી કબજો મેળવી ઘાસચારા કૌભાંડમાં ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
આ નહી નોંધાયેલા ટ્રસ્ટોને પૈસા ચુકવાયા
જે 13 ટ્રસ્ટોને પૈસાની ચુકવણી કરવામાં આવી હતી તે પૈકી પાંચ ટ્રસ્ટની નોંધણી જ નહી થઇ હોવાનું એસીબીની તપાસમાં બહાર આવ્યુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જોબાળા ગામની વ્રજ વિહાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટને 24 લાખ, બોટાદના રાણપુર તાલુકાના મોટી વાવડી ગામની જ્ઞાનગંગા ચેરીટેબલ ટ્રસ્ટને 28 લાખ, ધોલેરા તાલુકાના હેબતપુર ગામના ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટને 12 લાખ, થરાદના આજાવાડની સંત શ્રાી દયારામ ચેરીટેબલ ટ્રસ્ટને 12 લાખ, બોટાદના રાણપુર તાલુકાના ચંદરવા ગામની શ્રાી મોટીબા ગીર ગૌશાળા ટ્રસ્ટને 8 લાખ એમ મળી કુલ 84 લાખની સહાય મંજુર કરવામાં આવી છે. એસીબીએ આ મામલે જે તે જિલ્લાની ચેરીટી કમિશનરની કચેરીમાં તપાસ કરતા આ ટ્રસ્ટો નોંધાયેલા જ નહી હોવાનું જણાયુ હતું. કોઇપણ પ્રકારની ચકાસણી કર્યા વગર જ ચુકવણું કરવામાં આવ્યુ હતું. એટલુજ નહી પરંતુ શ્રાી ક્રિષ્ણા ચેરીટેબલ ટ્રસ્ટ તથા દયારામ ચેરીટેબલ ટ્રસ્ટને જે 36 લાખનું સહાય મંજુર કરવામાં આવી હતી. તે ટ્રસ્ટો તરફથી તો સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી પણ કરવામાં આવી નહતી. તેમ છતા લાખોનું ચુકવણું કરાયુ હતું.
ગ્રામ પંચાયતોમાં માત્ર કાગળ પર જ કામગીરી થઇ અને કરોડોનું ચુકવણું કરાયુ
ગૌચર સુધારણા, આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, ગૌશાળા પાંજળાપોળોને અદ્યતન બનાવવાની યોજના હેઠળ સહાય મેળવવાની યોજનાના નામે સવા દસ કરોડનું ચુકવણું કરાયુ હતું. જે પૈકી 17 જિલ્લાના જે 87 ગ્રામ પંચાયતોમાં ચુકવણું થયુ તેની તપાસ દરમિયાન એસીબી ગાંધીનગર એસીબી પણ ચોંકી ઉઠી હતી. આ ગામોમાં જે કામગીરી હેઠળ પૈસા ચુકવાયા હતા તે પ્રકારની કોઇ જ કામગીરી થઇ નહતી. માત્ર કાગળ પર જ કામગીરી દર્શાવવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટરો દ્વારા ખોટા વાઉચર, બીલો બનાવીને ગૌ સેવા અને ગૌચર વિભાગની કચેરીમાં રજુ કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યુ હતું.
ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાં વિડિયોગ્રાફી ઇન્ટ્રોગેશન કરાશે
ધરપક કરાયેલા તત્કાલીન મદદનીશ પશુપાલન નિયામક ડો. શશીકાંત ડાહ્યાભાઇ પટેલની આગામી દિવસોમાં એસીબી દ્વારા ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ખાતે લઇ જઇ સાઉન્ડપ્રુફ સીસ્ટમમાં વિડિયોગ્રાફી ઇન્ટ્રોગેશન કરી આરોપીની ગુના સબંધે પુછપરછ કરવામાં આવશે.