સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે, જેનું નિર્માણ હજુ એક વર્ષ પણ પૂરું થયું નથી, ત્યાં અનેક જગ્યાએ ભયજનક તિરાડો પડી ગઈ છે. આ તિરાડોને કારણે વાહનચાલકો અને ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નેશનલ હાઈવે પર તિરાડો પડતા વાહનચાલકો ગભરાયા
આ દ્રશ્યો છે સોમનાથ અને ભાવનગરને જોડતો નેશનલ હાઈવેના આ હાઇવે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. લાંબા સમયની રાહ જોયા બાદ આ હાઈવેનું નિર્માણ થયું અને મોટા ભાગની કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ છે. નિર્માણના એક વર્ષ પણ પૂરું થાય તે પહેલા જ હાઈવે પર ઠેર ઠેર મોટી અને ભયજનક તિરાડો પડી ગઈ છે. આ તિરાડો એટલી મોટી છે કે નાના વાહનો અને ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે તે જીવલેણ સાબિત થઈ રહી છે. વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેના કારણે લોકોને ઈજાઓ પણ થઈ રહી છે. રાત્રિના સમયે તો પરિસ્થિતિ વધુ ભયાવહ બની જાય છે કારણ કે પ્રકાશના અભાવે આ તિરાડો સ્પષ્ટ દેખાતી નથી, અને વાહનચાલકો અચાનક ખાડામાં આવી જતા સંતુલન ગુમાવી દે છે.
હાઈવે બન્યાને એક વર્ષ પૂર્ણ થયું નથી
અહીંથી પસાર થતા રાહદારીઓ એ જણાવ્યું હતું કે અમે રોજે અહીંથી પસાર થઈએ છીએ. રાત્રે તો દેખાતું પણ નથી. અચાનક ખાડો આવી જાય અને ગાડી ઉછળે. ઘણીવાર તો પડી પણ જઈએ છીએ. નવો રોડ બન્યો છે પણ ખરાબ હાલત છે. અકસ્માત તો રોજ થાય છે. સરકાર આટલા કરોડો રૂપિયા ખર્ચે છે અને આવો રોડ બનાવે છે! એક વર્ષ પણ પૂરું નથી થયું અને તૂટવા લાગ્યો. આ તો તંત્રની બેદરકારી છે.કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ હાઈવે આટલા ઓછા સમયમાં કેવી રીતે તૂટી શકે તે એક મોટો પ્રશ્ન છે.
આ મામલે કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ
હાલ તો આ હાઇવે ને લઈ અનેક તર્કવિતર્કોને જન્મ આપી રહી છે. શું નિર્માણ કાર્યમાં નબળી ગુણવત્તાનો માલસામાન વાપરવામાં આવ્યો છે? શું અધિકારીઓએ યોગ્ય દેખરેખ રાખી નથી? આ બધા પ્રશ્નોના જવાબ મળવા જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન બને અને લોકોના પૈસાનો દુરુપયોગ ન થાય.ત્યારે સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર પડેલી તિરાડો સ્થાનિક લોકો અને વાહનચાલકો માટે મુસીબત બની ગઈ છે. આ મામલે સરકાર અને સંબંધિત વિભાગો તાત્કાલિક કાર્યવાહી કરે અને આ સમસ્યાનો ઉકેલ લાવે તેવું સ્થાનિકો ઇચ્છી રહ્યા છે.









