શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના સ્વેટર, જેકેટ પહેરીને જ આવવા સ્કૂલોની દાદાગીરી શરૂ થઈ જાય છે. વળી આ સ્કૂલો એટલે સુધી દાદાગીરી કરે છે કે ચોક્કસ દુકાનેથી જ સ્વેટર કે જેકેટ ખરીદવાના. તેના કારણે વાલીઓનો મરો થઈ જાય છે. મોટાભાગની સ્કૂલોએ વાલીઓને સ્વેટર અને જેકેટ ખરીદવા આદેશ કરી દીધા છે. જે સ્વેટર કે જેકેટની કિંમત રૂ.1500થી શરૂ થાય છે.
બાળકને ઠંડીથી રક્ષણ ગમે તે સ્વેટર કે જેકેટથી મળવાનું છે પછી શા માટે સ્કૂલો ચોક્કસ રંગના સ્વેટર-જેકેટનો આગ્રહ રાખે છે ? સ્વેટર કે જેકેટની અંદર વિદ્યાર્થીએ સ્કૂલ ડ્રેસ પહેર્યો જ હોય છે પછી સ્વેટર અને જેકેટ ગમે તે રંગ કે ડિઝાઈનનું હોય શું ફર્ક પડે છે ? તે વાલીઓને સમજાતું નથી. સ્વેટર અને જેકેટમાં પણ કમિશન ખાવાની તક નહીં છોડતી આવી સ્કૂલોને કારણે વાલીઓ પર મોટું આર્થિક ભારણ આવી જાય છે. વળી જે ચોક્કસ દુકાનનો સ્કૂલ આગ્રહ રાખતી હોય છે તે દુકાનો ડિસ્કાઉન્ટ આપતી નથી. ડિસ્કાઉન્ટ આપે તો પહેલેથી કિંમત વધારેલી હોય છે. સરવાળે વાલીઓ સ્કૂલ અને દુકાનદાર વચ્ચેની સિન્ડીકેટમાં પીસાઈને એટલી જ રકમ ચુકવે છે જેટલી આ બંનેએ નક્કી કરી હોય.










