ગળતેશ્વર તાલુકામાં છેલ્લા એક મહિના ઉપરાંતથી દીપડાએ હાહાકાર મચાવ્યો સૌથી પહેલા વણાંકબોરી થર્મલના કૂણી સીમ વિસ્તાર તેમજ સાંગોલમાં પશુનું મારણ કર્યું હોવાથી વન વિભાગે એક્શન મોડમાં આવીને તાત્કાલિક ધોરણે અલગ અલગ જગ્યાએ પાંજરા મૂકીને એક દીપડો પકડવામાં સફ્ળતા મળી હતી.
જો કે ત્યારબાદ તે વિસ્તાર છોડીને હવે સેવાલિયાસિમેન્ટ કંપની વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની વાતો વાયુવેગે પ્રસરતા લોકમુખે ચર્ચાય છે કે સાંગોલ અને કૂણી વિસ્તાર છોડીને હવે એસીસી સિમેન્ટ કંપનીના વિસ્તારમાં આવી ગયો છે. જેથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સેવાલિયા ગામ એસીસી સિમેન્ટ કંપનીમાં દીપડો દેખાયો હોવાની વાતે વન વિભાગને દોડતું કર્યું છે. દીપડાના આંટાફેરા અંગે વન વિભાગને જાણ કરતા સીમ વિસ્તારમાં તાકીદના ધોરણે પાંજરૂ મુકવામાં આવ્યું હોવાનું બીટ ગાર્ડ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.










