અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં વારંવાર ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે ફરી એકવાર નિકોલના ગોપાલચોક વિસ્તારમાં ગટર ઉભરાતા તેના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા હતા. વગર વરસાદે પણ રોડ પર પાણી ભરાઈ રહેતા હોવાથી લોકોને અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડે છે. ગોપાલચોકની પંપીગની લાઈન તુટી જતા ગટર ઉભરાઈ હતી. જો કે તેનું સમારકામ કર્યું, પરંતુ ફરીથી પાઈપ છટકી જતાં પરિસ્થિતિ વકરી હતી. વારંવાર ઉભરાતી ગટરની સમસ્યાથી હવે નિકોલવાસીઓ પણ ટેવાઈ ગયા છે અને સ્થાનિકોએ ગોપાલ ચોકનું નામ હવે ગટર ચોક પાડી દીધું છે.
ગોપાલચોકમાં છેલ્લા 6 મહિનાથી ગટર ઉભરાય છે
ગોપાલચોકથી નિકોલ કેનાલ જવાના રોડ પર ગટરના પાણી ભરાઈ ગયા છે. પ્રથમ નજરે તો જાણે વરસાદી પાણી ભરાયા હોય તેમ લાગે. પરંતુ જેવા નજીક જાઓ એટલે ગંદા પાણીની દુર્ગંધથી ખ્યાલ આવી જાય કે ગટર ઉભરાઈ છે. ગોપાલચોકમાં છેલ્લા 6 મહિનાથી ગટર ઉભરાય છે છતાં તેનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી. જેના લીધે હજારો નાગરિકોને આ ગંદા પાણીમાં થઈને જવાનો વારો આવ્યો છે. એટલું નહીં સ્થાનિક લોકોએ એ તો તંત્ર પર કટાક્ષ કરતા કહ્યું કે આ તંત્રની કોઈ નવી પદ્ધતિ લાગે છે, લોકોને ગરમીમાં રાહત આપવા માટે એટલે જ ગટરના પાણી રોડ ભરવા માટે મ્યુનિ.તંત્રે નવી નીતિ અપનાવી છે. ગોપાલચોકમાં દરરોજ સવારના 11 વાગે ગટરના પાણી ભરાઈ જાય અને રાત્રે 9 વાગ્યા સુધી આ પાણી ભરાયેલા રહે છે. આસપાસના સ્થાનિક દુકાનદારો તો છેલ્લા 6 મહિનાથી વેપાર ધંધા વગર બેઠેલા છે. કારણ કે ગટરના પાણી ભરાઈ જતા લોકો ખરીદી કરવા માટે દુકાને આવતા જ નથી.
તંત્રને અનેક રજૂઆત કરવા છતાં સમસ્યા યથાવત્
છેલ્લા 6 મહિનાથી સતત ગટરના પાણી ઉભરાય છે, પરંતુ તંત્રની આંખ ઉધડતી નથી. વારંવાર સમસ્યા સર્જાય પરંતુ મ્યુનિ. ખાસ કોઈ કામગીરી કરતું નથી. ગટરના પાણી ભરાય છે, ત્યાં જ પાસે સ્કૂલ આવેલી છે. ત્યારે બાળકો આવા જ ગંદા પાણીમાંથી પસાર થઈને સ્કૂલે જવા મજબૂર બન્યા છે તો સોસાયટીમાં પણ ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. ત્યારે સ્થાનિકો તંત્રને રજૂઆત કરી કરીને કંટાળી ચૂક્યા છે, હવે ક્યારે અધિકારીઓ અને નેતાઓ કામગીરી કરાવે છે તે જોવું રહ્યું.









