શિનોર પંથકમાં સોમવારે મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદ પડતા શિનોરમાં લોકોની એંગલ સાથે સોલાર પેનલો, છાપરા ઉડી જતા વાહનો પર પડતા વાહનોને નુકશાન, નદીએ જવાના માર્ગ પર વિશાળ પીપળો વીજ વાયર પર પડતા લાઈટો ગુલ થઇ ગઈ હતી.
શિનોર પંથકમાં સોમવારે ભારે ગરમી ઉકાળાટ બાદ અચાનક મોડી રાત્રે બે વાગે ભારે પવન ફુકાવાનો શરૂ થયો હતો. અચાનક વાવાઝોડા સાથે વરસાદ પડતા તારાજી ફેલાઈ હતી. શિનોરમા ગોલવાડમાં નદીએ જવાના માર્ગ પર વિશાળ પીપળો વીજ વાયર પર પડી જતા ગામમાં વીજ પુરવઠો બંધ થઇ જતા આખી રાત લોકો લાઈટ વગર હેરાન પરેશાન થયા હતા. વાવાઝોડાનો પવન 60 કિ.મીની ઝડપે ફુંકાતા ગામમાં લોકોની સોલાર પેનલો એંગલો સહિત ઉડી ગઈ હતી. અને છાપરા પણ ઉડી જતા પાર્ક કરેલ વાહનો પર પડતા વાહનોને પણ ભારે નુકશાન થયેલ છે. રોહિતવાસમાં હંસાબેન રોહિત સહિત અનેક મકાનોના છાપરા પંખા તેમજ ઘર વખરીનો સામાન પણ ઉડી ગયા હતા. નર્મદા નદી કાંઠાના ગામો શિનોર, માલસર, માંડવા, સુરાશામળ, દિવેર, ઝાંઝડ, બરકાલ અને અંબાલી જેવા ગામોમાં કેળના પાકને નુકસાન થયું હતું.










