શિનોર તાલુકાના બે ગામોને જોડતા મોટાભાગના રસ્તાઓ 7વર્ષ ઉપરની મુદતના થયા હોવા છતાં સરકાર દ્વારા સંપૂર્ણ દુર્લક્ષ સેવવામાં આવે છે. જેનો પ્રત્યક્ષ દાખલો સુરાશામળ ગામથી દિવેર ગામનો દેખાય છે. જે માર્ગ મકાન તંત્ર ડભોઇને સ્થળ મુલાકાત લેવા સાદર અર્પણ કરવામાં આવે છે.
સુરાશામળથી દિવેરનો આશરે ત્રણ કિલોમીટરનો રસ્તો હાલ સદંતર ભંગાર અને અકસ્માત ઝોન જેવો બનેલો છે. ગુજરાત સરકારના અભિગમ મુજબ બે ગામોને જોડતા સીધા રસ્તા બનવાથી ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનો ખેતરમાંથી વેચાણ સ્થળે લાવવામાં સુગમતા રહે, પરંતુ જ્યારે બે ગામો વચ્ચેનો રસ્તો બનતો હોય છે ત્યારે દેખરેખ રાખનાર કોઈપણ ના હોવાના કારણે કોન્ટ્રાક્ટર અધિકારીઓ સાથે મળીને હલકુ મટીરીયલ અને હલકી ગુણવત્તા વાળો માલ વાપરી વેઠ ઉતાર કામ કરતા હોય છે, અધિકારીઓ જે તે સમયે બિલો પાસ કરી દે છે ,પરંતુ પોતાની સાચી ફરજ સમજીને રસ્તાની કોઈપણ જાતની તપાસ કરાવતા નથી, જેનો ભોગ ખેડૂતો બને છે.










