- તંગીનો લાભ લઈ ખેડૂતો પાસેથી વધુ નાણાં ખંખેરાતાં હોવાની બુમરાણ
- ઘઉં, રાયડો, જીરું સહિતના વાવેતર વખતે ખેડૂતો મુશ્કેલીમાં
- ખેડૂતોને ખરા સમયે રઝળપાટ કરવો પડી રહ્યો હોવાની ઠેર ઠેર બૂમરાણ મચી
ગુજરાતમાં રવિ પાકના વાવેતરના સમયે જ ડીએપી અને એનપીકે જેવા પાયાના ખાતરની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે ખેડૂતોને ખરા સમયે રઝળપાટ કરવો પડી રહ્યો હોવાની ઠેર ઠેર બૂમરાણ મચી છે, ખેડૂત આગેવાનોએ આ સંદર્ભે ઉચ્ચ સ્તરે પણ રજૂઆતો કરી છે, જોકે તેમની ફરિયાદનું હજુ નિવારણ થયું નથી. રવિ સિઝનમાં ઘઉં, જુવાર, રાયડો, જીરું, ધાણા, શાકભાજી, ડુંગળી, લસણ સહિતના વાવેતરના ખરા સમયે નાના અને મધ્યમ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
કિસાન સભાના ખેડૂત અગ્રણી ડાહ્યાભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, ડીએપી અને એનપીકે ખાતર છોડને પોષક તત્ત્વો મળી રહે, સારી રીતે વિકાસ થાય તે માટે જરૂરી હોય છે, ગુજરાતમાં ખેતીની જમીનમાં કોઈ વધારો થયો નથી, છતાં દર વખતની જેમ આ વખતે પણ ડીએપી, એનપીકે ખાતરની અછત સર્જાઈ છે. મોટા ખેડૂતોએ પહેલેથી જ આ ખાતરનો સ્ટોક કરી લીધો હોઈ તેમને તકલીફ નથી, જોકે નાના અને મધ્યમ કક્ષાના ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે, સૌરાષ્ટ્રમાં મોટા ભાગે આ સ્થિતિ છે. ગુજરાતની સહકારી મંડળીઓમાં પણ ખાતરની અછત વર્તાઈ રહી છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત આસપાસના જિલ્લામાં પણ તંગી છે. દાહોદમાં ખાનગી વેપારીઓ એક થેલી પર 100 રૂપિયા વધારે વસૂલીને લૂંટ ચલાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના પ્રકાશ જલુ નામના ખેડૂતનું કહેવું છે કે, ખાતરનો ક્યાં કેટલો જથ્થો મોકલવો તેની જવાબદારી તંત્રની છે, છેલ્લે જુલાઈ-ઓગસ્ટ મહિનાના અરસામાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ વખતે યુરિયા ખાતરની ખેંચ વર્તાઈ હતી, જેના કારણે પણ કપાસ, સોયાબીન સહિતના ખેતી પાકને અસર થઈ હતી.










