- જાહેર માર્ગ પર દબાણો, આડેધડ વાહન પાર્કિંગ સામે પગલાં લેવા તાકીદ
- માર્ચ મહિનામાં AMC કમિશનરે પણ ચંદનસિંહ બિલવાલને શો કોઝ ફટકારી હતી
- ટીડીઓ ઓફિસર ચંદનસિંહ બિલવાલને શો કોઝ નોટિસ આપવામાં આવી
AMCની ટાઉન પ્લાનિંગ કમિટીમાં સતત ચાર મીટિંગથી અગમ્ય કારણોસર ગેરહાજર રહેતા ઉત્તર ઝોનના ડે. એસ્ટેટ- ટીડીઓ ઓફિસર ચંદનસિંહ બિલવાલને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. અગાઉ, AMC માર્ચ મહિનામાં કમિશનર એમ. થેન્નારસને ઉત્તર ઝોનમાં સવારે રાઉન્ડ દરમિયાન નરોડા-હંસપુરામાં નવી બનતી સાઈટ પર નિયમ મુજબ ગ્રીન નેટ નહોતી અને ધૂળ ઉડતી જોવા મળતાં
એસ્ટેટ-ટીડીઓ અધિકારીને ફોન કર્યો હતો. પરંતુ કમિશનરનો ફોન નહીં ઉપાડવા બદલ ચંદનસિંહને શો કોઝ નોટિસ ફટકારાઈ હતી. જોકે, એસ્ટેટ- ટીડીઓ ઓફિસરને શો કોઝ ફટકારવા અંગે સૂચના આપવા છતાં TP કમિટીના ડે. ચેરમેન અનિરૂદ્ધસિંહ ઝાલાએ અગમ્ય કારણોસર આ માહિતી મીડિયાથી છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પત્રકારોને આ અંગેની માહિતી મળી જતાં ડે. ચેરમેનને તે અંગે પ્રશ્ન પૂછતાં છેવટે ડે. ચેરમેનને એકરાર કરવો પડયો હતો.
ડેપ્યુટી ચેરમેને જણાવ્યું હતું કે, ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીમાં ઉત્તર ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફ્સિર ચંદનસિંહ બિલવાલને અવારનવાર કમિટીમાં ગેરહાજર રહેતા જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ. કે. પટેલ દ્વારા ડેપ્યુટી એસ્ટેટ ઓફ્સિરને નોટિસ આપવાની સૂચના આપી દેવાઈ હતી. ટી. પી. કમિટીમાં જાહેર રોડ ઉપર થયેલા દબાણ અને દૂર કરવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી. જે પણ જગ્યાએ દબાણો દેખાય ત્યાં કડકપણે કાર્યવાહી કરવાની અધિકારીઓને તાકીદ કરાઈ છે. શહેરમાં રોડ સાઈડ સહિત વિવિધ સ્થળે લારી- ગલ્લાના દબાણો દૂર કરવા કડક પગલાં ભરવા તાકીદ કરી છે. શહેરમાં રસ્તાની બાજુએ મોટરકાર, ટુ વ્હીલરના આડેધડ પાર્કિંગ સામે દંડ વસૂલવા સહિત પગલાં લેવા સૂચના અપાઈ છે. AMC કમિશનરે, દરરોજ સવારે વોર્ડમાં રાઉન્ડ લેવા માટે સરક્યુલર કર્યો છે. પરંતુ કેટલાંક અધિકારીઓ આ સરક્યુલરનો અમલ કરતા નથી. ગત મહિને મ્યુનિ. કમિશનરના રાઉન્ડ વેળા નરોડા- હંસપુરામાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ગ્રીન નેટ નહીં લગાવવા બાબતે ફોન નહીં ઉપાડવા બદલ ચંદનસિંહ બિલવાલને શો કોઝ નોટિસ અપાઈ હતી.