શક્તિપીઠ અંબાજી ખાતે 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન 51 શક્તિપીઠ ભવ્ય પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થશે. આ પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું અંબાજી ખાતે આગમન શરૂ થઇ ગયું છે.


ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા પરિક્રમા મહોત્સવના સમયગાળા દરમિયાન વિવિધ મંડળો અને ભજન સત્સંગ મંડળો દ્વારા 51 શક્તિપીઠો ખાતે ભજન સત્સંગ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ થશે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમામાં મોટી સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે ઉમટશે. આ 3 દિવસનો 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી  શ્રદ્ધાળુઓ આવશે. પરિક્રમા મહોત્સવના અન્ય દિવસો એ પણ વિવિધ ધામક કાર્યક્રમોનું આયોજન થશે. જેમાં મસાલ યાત્રા, ત્રિશૂળ યાત્રા, જ્યોતિ યાત્રા, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞા, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો દ્વારા પરિક્રમાની સાથે આનંદ ગરબા અખંડ ધૂનની સાથે ગબ્બર ટોચ ખાતે રાત્રી 12 કલાકે મહા આરતીની સાથે વિવિધ કાર્યક્રમો કરાશે. અંબાજી ખાતે પરિક્રમામાં આવનારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.


  • Follow us on: