• વિદ્યાર્થિનીની તબિયત લથડતા તેને મુંબઈ લઈ જવાઈ
  • નરાધમોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને ધમકી પણ આપી
  • બન્ને આરોપીઓ 3 સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર

સેલવાસના ખાનવેલ ખાતે શાળાની વિદ્યાર્થિની પર સામુહિક દૂષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. આ મામલે શાળાના જ વાઈસ પ્રિન્સીપાલ અને અન્ય શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખાનવેલની ‘અવર લેડી હેલ્પ’ ઈંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિનીએ શાળાના જ વાઈસ પ્રિન્સિપાલ અને એક શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં સગીરાએ બન્ને શિક્ષકોએ તેની સાથે દુષ્કર્મ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો આરોપ મૂક્યો છે. આટલું જ નહીં, વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યા બાદ બન્ને નરાધમોએ તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

જો કે દુષ્કર્મ બાદ વિદ્યાર્થિનીની તબીયત લથડતા તેને સેલવાસની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જો કે તેની તબિયત વધારે બગડતા તેને સુરત અને આખરે સઘન સારવાર માટે મુંબઈ રિફર કરવામાં આવી હતી.

હાલ તો સેલવાસ પોલીસે તમામ ચકાસણી અને વિદ્યાર્થિનીના નિવેદન બાદ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને બન્ને નરાધમોની ધરપકડ કરી હતી. જે બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા બન્ને આરોપીઓને 3 સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. 
  • Follow us on: