- જામનગર, રાજુલા, ખંભાળીયા અને સુરતમાં 50 વર્ષથી નીચેની વયના વ્યક્તિ ભોગ બન્યા
- સૌરાષ્ટ્રમાં હાર્ટએટેકના કારણે વધુ 4 લોકોના મોત નિપજયા
- સુરતમાં એક યુવતી અને એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું
24 કલાકના ગાળામાં રાજ્યમાં હાર્ટ એટેકથી 6 વ્યક્તિના મોત નીપજતા લોકોમાં પણ ભય ફેલાયો છે. સૌરાષ્ટ્રમાં હાર્ટએટેકના કારણે વધુ 4 લોકોના મોત નિપજયા છે. આજે જામનગરમાં 1, ખંભાળીયા પંથકમાં 2 અને અમરેલી જિલ્લાના રાજુલામાં 1 વ્યકિતનું મોત થયું છે. જ્યારે સુરતમાં એક યુવતી અને એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે.
જામનગર શહેરના સેનાનગર વિસ્તારમાં રહેતા રવિભાઈ લુણા (ઉ.વ.24) ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમને બે-ત્રણ દિવસથી તાવ-શરદી હોવાથી બુધવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતાં. જ્યાં તેમને હ્ય્દયરોગનો હુમલો આવતા તાત્કાલીક સારવારમાં દાખલ કરાયા હતા. પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ મોત થયું હતું. ખંભાળીયા તાબેના શક્તિનગર વિસ્તારમાં રહેતા રામજીભાઈ દામજીભાઈ નકુમ (ઉ.વ.52) પોતાના ખેતરમાં કામ કરતા હતા ત્યારે હાર્ટ એટેક આવી જતા મોત નીપજ્યું હતું. ખંભાળીયા તાલુકાના ઠાકર શેરડી ગામે રહેતા પ્રેમજીભાઈ રણમલભાઈ કણઝારીયા (ઉ.વ.42) પોતાના ખેતરમાં કામ કરતો હોય ત્યારે હાર્ટએટેક આવતા તેનું મોત નીપજ્યું હતું. રાજુલા શહેરમાં કોળી સમાજની વાડી ખાતે રામપીરના આખ્યાન દરમ્યાન 23 વર્ષના યુવક દિનેશ મનસુખભાઇ શિયાળને હાર્ટએટેક આવતા મોત થયું હતુ.સુરતના પરવટ ગામ પાસે આવેલ ખારી ફળીયામાં રહેતી 20 વર્ષિય કિંજલ દિનેશ રાઠોડ ઘરકામ કરતી હતી. તેના માતા-પિતા ન હોવાથી એક ભાઈ અને દાદી સાથે રહેતી હતી. બુધવારે રાતે પરિવારના સભ્યો સાથે જમીને સૂઈ ગઈ હતી. ત્યારબાદ દાદીએ રાતે જગાડતા તે જાગી નહતી. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બેભાન હાલતમાં તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં તાત્કાલિક વિભાગના તબીબે કિંજલને મૃત જાહેર કરતા પરિવારજનો આૃર્યમાં મુકાયા હતા. તેને કોઈ બીમારી પણ ન હોવાનું જાણવા મળ્યું હતું. હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.










