- ગઈકાલે કોડીનાર પોલીસ પર હીંચકારો હુમલો કર્યો હતો
- 2 મહિલા અને 4 પુરૂષો બુટલેગરને પકડી અટકાયત કરી
- શહેરની જનતામાં ખુશીની લાગણી જોવા મળી
ગીર સોમનાથના કોડીનાર ખાતે પોલીસ પર હુમલો કરનાર 6 લોકોની ધરપકડ કોડીનાર પોલીસ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલ સાંજે થયેલા હુમલામા કોડીનાર પીઆઇ અને બે કોસ્ટેબલ ઘાયલ થયા હતા. જ્યારે બુટલેગરો કોઈપણ જાતનાં ભય વગર પોલીસ પર હુમલો કરવાની હિંમત કરે તે કેટલે અંશે યોગ્ય...? તેવી ચર્ચા કોડીનારની જનતામાં ચર્ચાઈ રહી છે. કોડીનાર પોલીસે તાત્કાલિક અસરથી પોલીસ પર હુમલો કરનાર 2 મહિલા અને 4 પુરૂષો બુટલેગરને પકડી અટકાયત કરી છે.
ગઈકાલે કોડીનાર પોલીસ પર હીંચકારો હુમલો કર્યો હતો
ચાર શખ્સો કોડીનારના કુખ્યાત બુટલેગરો છે. જેણે ગઈકાલે કોડીનાર પોલીસ પર હીંચકારો હુમલો કર્યો હતો. કોડીનારના જિન પ્લોટ વિસ્તારમાં સરગમ ચોક નજીક ગઈકાલે સાંજે મુળજી અરજન ચુડાસમા નામના શખ્સના ઘરે તપાસમાં પહોંચેલી પોલીસ પર એકાએક મૂળજી અને તેના પરિવાર જનો તૂટી પડયા હતા. જેમાં પીઆઇ તથા અન્ય બે પોલીસ કર્મી ઘાયલ થયા હતા. જેઓને તાત્કાલિક અસરથી કોડીનારની આર.એન.વાળા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે આરોપીના દીકરાનું થોડા સમય પહેલા અકસ્માતમાં મોત થયું હતું. જેની ફરિયાદ લેવા સંદર્ભે પોલીસ તેના ઘરે ત્રણ દિવસ પહેલા નિવેદન લેવા પહોંચી હતી. જો કે તે દિવસે જ પોલીસને આ અસામાજિકોએ ગાળો ભાંડી તગેડી મૂકી હતી. જેને લઈ ફરજમાં રૂકાવટની કલમ લગાવાય હતી. આથી ગઈકાલે સાંજે પોલીસ પીઆઇ સહિત મોટા કાફલા સાથે પહોંચી હતી. તો આ નામચીન બુટલેગર અને તેના સાગરીતોએ ધમાલ મચાવી હતી.
મુળજી અને તેનો ભાઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
પોલીસ પર હુમલા બાદ ગીર સોમનાથ એસ.પી.,ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો કોડીનાર પહોંચી ગયો હતો. કોડીનાર પોલીસે મુખ્ય સૂત્રધાર મૂળજી સહિત 6 ની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ મૂળજી અને તેનો ભાઈ રમેશ ચુડાસમા દારૂના ધંધાર્થી છે. મૂળજી ઉપર 20 કેસ નોંધાય ચુક્યા છે તો તેના ભાઈ પર 26 કેસ અને પાસાની કલમો પણ ભૂતકાળમાં લાગી ચુકી છે. મુળજી અને તેનો ભાઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
શહેરની જનતામાં ખુશીની લાગણી જોવા મળી
કોડીનાર પોલીસે મુળજી તેની પત્ની પુત્રને તેનો ભાઈ રમેશ અને તેના પુત્ર સહિત કુલ 6 ની ધરપકડ કરી છે. અને હત્યાની કોશિશ સહિતની અનેક કલમો લગાવી છે. આ બુટલેગરોની કોડીનાર પોલીસ દ્વારા યોગ્ય સરભરા થતા શહેરની જનતામાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.