- સ્લેબ તૂટી પડતા બાજુમાં જમીનમાં પણ તિરાડ પડી
- મૃતદેહને બહાર કાઢવા માટે 10થી વધુ મશીન કામે લગાડયા
- રિક્ષાચાલક ભાગવા જતો હતો અને બ્રિજનો સ્લેબ તેના પર પડયો
પાલનપુરમાં આરટીઓ સર્કલ પર બની રહેલ 50 ફૂટની ઉંચાઈ પર સર્કલ બનાવી અને અંબાજી તથા આબુરોડ અને પાલનપુર હાઈવે સર્કલ તરફ જવાના રસ્તાને જોડતો બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે. તેમાં બપોરના ત્રણેક વાગ્યાના સુમારે રેલ્વે ટ્રેકથી ઉત્તર તરફના બ્રિજનો એક ભાગ તેના પાંચ આડા બીમ ધડાકા સાથે તુટી પડતા બ્રિજની નીચે ઉભેલા રિક્ષાચાલક અને ટ્રેકટરચાલકના મોત નિપજ્યા છે. જો કે કેટલાક નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર, સ્લેબની નીચે વધુ બે લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાલનપુરમાં આરટીઓ સર્કલ પર બની રહેલ રેલવે ઓવરબ્રિજ બપોરના સુમારે એકાએક ધડાકા સાથે ધરાશયી થતાં બ્રિજની નીચે મુસાફરોની રાહ જોઈ ઉભેલ રિક્ષાચાલક સહિત બે લોકોના મોત નિપજતાં ગામમાં અરેરાટી પ્રસરી ગઈ છે. ત્યારે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવતાં લોકોમાં ભારે રોષ ભભુકી રહ્યો છે. ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે, પાલનપુરમાં આરટીઓ સર્કલ પર થતાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે આરટીઓ સર્કલ પર ઓવરબ્રિજ મંજુર કરવામાં આવ્યો હતો. તેની ડિઝાઈન અનુસાર આશરે પ0 ફૂટની ઉંચાઈ પર સર્કલ બનાવી અને અંબાજીથી આબુ તરફ જતા અને પાલનપુર શહેર તરફ જવાના માર્ગને જોડતુ સર્કલ બનાવેલ છે.જેમાં સર્કલથી અંબાજી તરફ જવાના માર્ગમાં બની બાકી રહેલ કામ હવે પૂર્ણતા અધારે હતુ અને ટૂંક સમયમાં જ આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવનાર હતુ. પરંતુ તે પહેલા જ અંબાજી તરફના બ્રિજ પર રેલવે ટ્રેકને અડીને આવેલ આખે આખો સ્લેબ ધડાકા સાથે કડડભુસ થઈને તુટી પડતા બ્રિજની નીચે ઉભેલ રિક્ષાચાલક સહિત બેના મોત નિપજ્યા છે. બનાવને પગલે લોકોના ટોળે ટોળા ઉમટયા હતા.અને જાણ થતા બનાસકાંઠા કલેક્ટર તથા એસપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.સ્લેબ તુટી પડતા તેની બાજુમાં જમીનમાં પણ તિરાડ આવી ગઈ હતી.લાશને બહાર કાઢવા માટે 10થી વધુ હીટાચી અને જેસીબી મશીન કામે લગાડયા હતા.ત્યારે બીજી તરફ બાજુનો સ્લેબ પણ આધાર છુટી જવાના કારણે તુટી પડે તેમ હોઈ એલસીબી તથા તાલુકા પોલીસ અને શહેર પિૃમ તથા પૂર્વ પોલીસ મથકના પીઆઈ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઈ અને સલામતીના ભાગરૂપે ટોળાને ખસેડયુ હતુ.
બ્રિજનુ કામ ચાલતુ હોય ત્યારે આ બ્રિજના સુપરવાઈઝર દ્વારા તેના બાંધકામ સમયે કેમ ધ્યાન આપ્યુ નહીં હોય મટીરીયલમાં ખામી હોય અથવા નિયમો વિરૂધ્ધ મટીરીયલનો ઉપયોગ કરાયો હોય તો તે અંગે સુપરવાઈઝરે કેમ અહેવાલમાં કોઈ સ્પષ્ટતા નહી કરી હોય વગેરે સવાલ લોકોમાં ચર્ચાની એરણે ચડયા છે.
જી. પી. ચૌધરી ઈન્ફ્રા.ને કોન્ટ્રાક્ટ અપાયો
પાલનપુરની સ્થાનિક કંપની જી.પી.ચૌધરી ઈન્ફ્રાસ્ટ્રકચરને રૂ.89 કરોડના ખર્ચે આ આરઓબી માટે તા.22-4-2021ના રોજ વર્કઓર્ડર સોંપાયો હતો. જેમાં 24 મહિનામાં કામ પૂરું કરવાનું હતું, જેની મુદત તા. 30-8-'23 સુધી લંબાવાઈ હતી. મતલબ કે, આ આરઓબી તૈયાર થવાને આરે હતો ત્યારે આ કરુણાન્તિકા સર્જાઈ હતી. પખવાડિયા અગાઉ જ સુરેન્દ્રનગરમાં વસ્તરડી ગામે 40 વર્ષ જૂનો બ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી.
CMએ બનાવેલી તપાસ સમિતિ ઘટનાસ્થળે પહોંચી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુરમાં નેશનલ હાઈવે નંબર 58 ઉપર તૈયાર થઈ રહેલા રેલવે ઓવરબ્રિજના એપ્રોચના ગર્ડર ટોપલ થવાની દુર્ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને રાજ્યના માર્ગ-મકાન પ્રભાગના ક્વૉલિટી કંટ્રોલ વિભાગના સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર એન.વી.વસૈયા, ડિઝાઈન સર્કલના સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર સુશ્રી શ્રીવાસ્તવ તથા ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર એન.એલ.પટેલની કમિટી રચી આ કમિટીને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે, જેને પગલે કમિટીના સભ્યો સોમવારે મોડી સાંજે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
કોંગ્રેસની નફટ્ટાઈ : પાલનપુરમાં પાપી છે, મોરબીમાં 'દૂધે ધોયેલો'
પાલનપુરમાં નિર્માણાધિન પુલ તુટી પડવાની ઘટનામાં પ્રદેશ કોંગ્રેસે કોન્ટ્રાક્ટર કંપની, જવાબદારી અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે. ભાજપ સરકાર કંપનીઓનું ચૂંટણી ફંડ લઈને ભ્રષ્ટાચાર કરી રહ્યાનો આરોપ મુક્યો છે. આ ઘટના પહેલા જ મોરબીમાં 135 નાગરીકોના મૃત્યુના જઘન્ય અપરાધમાં જયસુખ પટેલને છોડી દેવા આ જ કોંગ્રેસના એક સિટિંગ અને બે પૂર્વ MLAએ માંગીણ કરી છે. આમ, કોંગ્રેસે પણ નફટ્ટાઈની તમામ હદો વટાવ્યાનુ ચિત્ર ઉપસ્યુ છે.
2022માં 14 બ્રિજ ઉપરથી ભાજપનો ભ્રષ્ટાચાર ખૂલ્યો
? માધાપર ચોકડી, રાજકોટ ? બોપલ રીંગ રોડ, અમદાવાદ ? બોરસદ ચોકડી, આણંદ ? હાંડોદ, લુણાવાડા ? નાંદેલવ, ભરૂચ ? ઊઝા હાઈવે, ઊંઝા ? સિંઘરોટ, વડોદરા ??શાંતિપુરા- મુમતપુરા, અમદાવાદ ? આજી ડેમ ચોકડી દિવાલ,રાજકોટ ? બાયપાસ રોડ, મહેસાણા ? સટોડાક, જામનગર- જૂનાગઢ હાઈવે ? પીપલોદ ફ્લાય ઓવર, ઉધના સુરત ? ઉધના- મજૂરા- આઠવા બ્રીજ, સુરત
બ્રિજ પડવા અંગે અધિકારીઓના જુદા જુદા મંતવ્યો
બ્રિજ તૂટી પડવાના કારણો અંગે અહીં ઉપસ્થિત આરએન્ડ બી તથા એલ એન્ડટીના ઈજનેરોને બોલાવવામાં આવેલ હતાં. જ્યાં બ્રિજ તુટવા માટે દરેકના અલગ અલગ મંતવ્યો જાણવા મળ્યા હતા.જો કે સાચી હકીકત રીપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.
આટલી મોટી ઘટના છતાં નેશનલ હાઈવે કે કોન્ટ્રાક્ટરના માણસો ફરક્યા પણ નહી
આખેઆખો સ્લેબ તુટી પડવાના કારણે નિર્દોષ લોકો મોતના મુખમાં હોમાયાની ગોઝારી ઘટના બાદ પણ નેશનલ હાઈવે કે કોન્ટરાક્ટરના માણસો કે સુપરવાઈઝર ફરક્યા પણ નહી તેના પગલે લોકોમાં વ્યાપક રોષ ભભુકી રહ્યો છે.