- ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભીડ
- એસટી વિભાગે ફાળવેલી વધુ બસો પણ ઓછી પડી
- બસમાં બેસવા માટે લોકોની પડાપડી
રક્ષાબંધનના તહેવારને એક દિવસની વાર છે ત્યારે દર વખતની જેમ આ વખતે પણ લોકો તહેવારની ઉજવણી કરવા માટે નક્કી સ્થળે સમયસર પહોંચવાની તૈયારી કરી રહ્યા છે. જેના કારણે ટ્રાવેલ્સ અને એસટી બસસ્ટેન્ડ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. અમદાવાદનું ગીતામંદિર એસટી બસસ્ટેન્ડ જાણે કે કીડીયારામાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

દોડશે વધુ એસટી બસો
ઉલ્લેખનીય છે કે દર વખતે તહેવારોમાં લોકોની સુવિધા માટે અને ભીડ ન થાય તે માટે કેટલીક વધુ એસટી બસની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ રક્ષાબંધન નિમિતે GSRTC એ ખાસ નિર્ણય લીધો છે અને સાથે જ 500થી વધારે બસોનું સંચાલન એસટી નિગમ દ્વારા કરાશે તેમ જણાવવામાં આવ્યું છે. આ વર્ષે અંદાજે 2000 જેટલી વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવી શકે છે.

રક્ષાબંધન પર્વને લઈ વડોદરા ST ડેપો પર ભારે ભીડ
તહેવારની સીઝન પૂર જોશમાં છે ત્યારે એસટી વિભાગ દ્વારા વડોદરામાં પણ 50થી વધુ બસ ચાલુ કરવામાં છે. અમદાવાદ, સુરત, દાહોદ, ગોધરાના રૂટ પર સૌથી વધુ મુસાફરો જોવા મળી રહ્યા છે. એસટી વિભાગનું કહેવું છે કે 1 સપ્ટેમ્બર સુધી વધુ બસો ચલાવવામાં આવશે જેથી યાત્રીઓને સુવિધા રહે.

રાજકોટ બસ સ્ટેન્ડમાં મુસાફરોની ભીડ
અમદાવાદ, વડોદરા બાદ રાજકોટની વાત કરીએ તો રાજકોટનું એસટી સ્ટેન્ડ પેસેન્જરોથી ભરાઈ ચૂક્યું છે. રક્ષાબંધનના તહેવારને લઈ રાજકોટ એસટી સ્ટેન્ડ પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે તહેવારમાં એસટી બસમાં ટ્રાફિક વધે છે અને તંત્રની વધુ બસની વાતો પણ જાણે કે પોકળ સાબિત થાય છે.









