ઉદ્યોગપતિ કરસન પટેલે પાટીદાર આંદોલનને વખોડ્યું છે. પાટણના એક સામાજીક કાર્યક્રમમાં કરસન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે અને કેટલાક લોકો પર સીધો જ પ્રહાર કર્યો હોય તેવું આ નિવેદન પરથી લાગી રહ્યું છે. કરસન પટેલે કહ્યું કે પાટીદાર આંદોલનથી સમાજને કશું ન મળ્યું અને અનામત આંદોલનમાં માત્ર સમાજના યુવાનો શહીદ થયા.
શું આંદોલન અનામત માટેનું હતું કે કોઈને કાઢવાનું?: કરસન પટેલે
વધુમાં કરસનભાઈ પટેલે જણાવ્યું કે અનામત આંદોલન કરનારા પાટીદારો જ હતા અને તેના કારણે જ લેઉઆ પાટીદારોની દીકરીને CM પદ પણ છોડવું પડ્યું. પટેલો જ પટેલોને કાઢે તે શક્ય નથી, આંદોલન કરનારાઓએ માત્ર રાજકીય રોટલા શેક્યા, તેનાથી સમાજને કોઈ ફાયદો થયો નથી. ત્યારે સવાલ કરતા તેમને એમ પણ કહ્યું કે શું આંદોલન અનામત માટેનું હતું કે કોઈને કાઢવાનું? જણાવી દઈએ કે પાટણમાં આયોજિત પાટીદાર સમાજના આ સામાજિક કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
પાટીદાર સમાજને નવું નેતૃત્વ મળ્યુઃ કિરીટ પટેલ
કરસનભાઈ પટેલના નિવેદન પર ઘણા પાટીદાર નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ત્યારે પાટીદાર નેતા કિરીટ પટેલે કહ્યું કે પાટીદાર અનામત આંદોલન વિશે 10 વર્ષ પછી નિવેદન કેમ? દર વર્ષે કાર્યક્રમ થાય છે હવે કેમ નિવેદન કરવામાં આવ્યું, આંદોલન થકી અનેક યોજનાઓનો લાભ મળ્યો છે, વિદ્યાર્થીઓને ઘણો મોટો ફાયદો થયો છે અને દરેક આંદોલનથી દર વખતે નેતાઓ બહાર આવતા હોય છે, હાલમાં પાટીદાર સમાજને નવું નેતૃત્વ મળ્યુ છે. આનંદીબેનને હટાવ્યા તે વખતે કેમ ના બોલ્યા તેવું પણ કિરીટ પટેલ કહ્યું છે.
14 દિકરાના પરિવારજનોને કેમ મદદ ના કરીઃ વરુણ પટેલ
બીજી તરફ પાટીદાર નેતા વરૂણ પટેલે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કરસનભાઈ પટેલ પાસે આટલી મોટી ઈન્ડસ્ટ્રી છે તો પરિવારને કેમ આર્થિક મદદ ના કરી. શાંત વાતાવરણમાં પલીતો ચાંપ્યો હોય તેવું નિવેદન છે. આ આંદોલનથી 10 ટકા આર્થિક અનામત મળી છે અને ગુજરાતની કોપી આખા દેશે કરી છે. વિદ્યાર્થીઓને વગર વ્યાજની લોન મળતી થઈ છે. આંદોલનમાં લાખો લોકો જોડાયા હતા, એ વખતે એક નિવેદન આપતા તેમને ડર લાગતો હતો અને 10 વર્ષ બાદ કરસનભાઈને બોલવાની હિંમત આવી છે.









