- રાજ્યના તમામ પોલીસ કમિશનર, SPને નિયમો તોડનારા સામે કાર્યવાહીનો આદેશ
- ટ્રાફિક ડ્રાઇવ યોજવાનો સ્ટેટ ટ્રાફિક બ્રિગેડના IGPનો આદેશ
- દરરોજ કેટલો દંડ ભર્યો તેનો રિપોર્ટ બીજા જ દિવસે સબમિટ કરવાની સૂચના
કોરોનાકાળમાં માસ્ક નહીં પહેરનારા લોકોને દંડીને સરકારે મબલખ કમાણી કરી લીધી હતી. હવે પોલીસે કમાણી કરવાનો નવો કીમિયો અપનાવ્યો છે. રોડ અકસ્માતો અટકાવવાના બહાને હેલ્મેટ અને સીટ બેલ્ટ નહી પહેરીને નિયમનો ભંગ કરનારા નાગરિકો સામે હવે રાજ્યની પોલીસ તવાઇ લાવશે અને કાયદાના બહાને સામાન્ય નાગરિકોને દંડીને કરોડો રૂપિયા ભેગા કરીને સરકારને વ્હાલા થવાના પ્રયત્નો કરશે. રાજ્યના સ્ટેટ ટાફિક બ્રિગેડના આઇજીપી પીયુષ પટેલે પરિપત્ર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવના નામે નાગરિકોને ચુસ્ત રીતે કાયદાનું પાલન કરાવવાનું તમામ શહેરોના પોલીસ કમિશનરો, આઇજીપી અને જીલ્લાના વડાઓને સુચના આપી છે. જેમાં નિયમોનો ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરીને દંડ કરવાનો ફતવો બહાર પાડયો છે.
એસટીબીના આઇજીપી પિયુષ પટેલે કરેલા પરિપત્રમાં જણાવવામા આવ્યુ છે કે, રોડ અકસ્માતમાં સીટ બેલ્ટ અને હેલ્મેટ નહી પહેરતા વધારે લોકોના મોત થયાં છે અથવા તો ઇજાઓ પહોંચી છે. રાજ્યમાં રોડ સેફટીની સમયાંતરે થતી બેઠકોમાં સમીક્ષામાં બહાર આવ્યું હોવાની દલીલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે રાજ્યભરમાં 6 માર્ચથી 15 માર્ચ 2022 સુધી ટ્રાફિક ડ્રાઇવ રાખવામા આવી છે. તેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ કરવાની વાત ઉપર ભાર મુકવામા આવ્યો છે. એટલુ જ નહી તમામ શહેરો અને જીલ્લાની કરવામા આવેલ કામગીરીની સમિક્ષા કરવાના નામે રોજે-રોજ કેટલો દંડ કર્યો તેની તમામ માહિતી બીજી જ દિવસે આપી દેવાનો હુકમ કરવામા આવ્યો છે. તેમજ ડીજીપી સ્ટેટ બ્રિગેડના ઇમેલ આઇ.ડી ઉપર સવારે 8 વાગ્યા સુધીમાં રિપોર્ટ કરી દેવો તેવુ પણ જણાવવામાં આવ્યુ છે.










