- ટિકિટમાં 75 તો શરતોમાં 45 મિનિટ વહેલા આવવાનો સમય હતો
- 4 મુસાફરોને બીજી ટિકિટ લઈ મુસાફરી કરવી પડી હતી
- શરતોને જોતાં મુસાફરો સમસયર હાજર થયા હોવાનું સામે આવ્યું હતું
અમદાવાદથી દુબઈની ફ્લાઈટ માટે એરપોર્ટ ઉપર પાંચ મિનિટ મોડું પહોંચતાં ચાર મુસાફરોને બોર્ડિંગ પાસ ઈશ્યુ કરાયા નહોતા, જેના કારણે બીજી ટિકિટ લઈ ટ્રાવેલ કરવું પડયું હતું. ફ્લાઈટના સમય કરતાં 75 મિનિટ વહેલા આવવાનો ટિકિટમાં સમય દર્શાવાયો હતો, જોકે આ સંદર્ભેની શરતો રજૂ કરાઈ તો તેમાં 75 નહિ પરંતુ 45 મિનિટ પહેલાં હાજર થવાનું દર્શાવાયું હતું. શરતોને જોતાં મુસાફરો સમસયર હાજર થયા હોવાનું સામે આવ્યું હતું. વર્ષ 2016ના કેસમાં ગ્રાહક કમિશને સ્પાઈસ જેટ લિ.ને દંડ ફટકારતો હુકમ કર્યો છે. ફરિયાદીને રૂ. 37,424ની રકમ સાત ટકા વ્યાજ સાથે ફરિયાદ દાખલ કર્યા તારીખથી 30 દિવસમાં ચૂકવી આપવા સ્પાઈસ જેટને હુકમ કર્યો છે, આ ઉપરાંત માનસિક ત્રાસ બદલ 3 હજાર અને ફરિયાદ ખર્ચના બે હજાર ચૂકવી આપવા હુકમ કરાયો છે. દેવભૂમિ દ્વારકાના ફરિયાદી એફ.એચ. પાસ્તા અને અન્ય ત્રણ મુસાફરો 12મી મે 2016એ અમદાવાદથી દુબઈ જવાના હતા, જે પેટે 40 હજારથી વધુનો મુસાફરી ખર્ચ ચુકવ્યો હતો, ફ્લાઈટનો સમય રાતે 8.10 કલાકનો હતો અને 7 કલાકે ચેક ઈન માટે પહોંચ્યા હતા, જોકે ચેક ઈન કાઉન્ટર બંધ કરાયું હતું એટલે બોર્ડિંગ પાસ ઈસ્યુ કરવાનો ઈન્કાર કરાયો હતો. એરલાઈન્સ તરફથી દલીલ હતી કે, તેમની સેવામાં કોઈ ખામી નથી. અલબત્ત, ઈન્ટરનેશનલ ટ્રાવેલની શરતો પ્રમાણે 45 મિનિટ પહેલાં હાજર થવાનું હોય છે, જેને ધ્યાને રાખી કમિશને એરલાઈન્સને દંડ ફટકારતો હુકમ જાહેર કર્યો છે.










