- ટ્રાફિક સિગ્નલ બંધ હશે ત્યારે સ્પ્રિંકલરથી પાણીનો છંટકાવ થશે
- બપોરે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સ્પ્રિંકલર ચાલુ રેહશે
- લોકો સિગ્નલ પર ઉભા રહે ત્યારે ગરમીના લાગે તે માટે પ્રયોગ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદમાં લોકોને ગરમીથી રાહત મળી રહે તે માટે AMC દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં સ્પ્રિંકલરની મદદથી જાહેર રસ્તા પર સિગ્નલ નજીક પાણીનો છંટકાવ કરવામાં આવશે. જેમાં પ્રાયોગિક ધોરણે કાંકરિયા પુષ્પકુંજ ચાર રસ્તે સ્પ્રિંકલર મુકવામાં આવ્યા છે.
અમદાવાદમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે. જેમાં ગરમીમાં લોકો સિગ્નલ પર ઉભા રહે ત્યારે ગરમીના લાગે તે માટે પ્રયોગ કરવામાં આવ્યો છે. જો પ્રયોગ સફળ રહ્યો તો અમદાવાદના દરેક સિગ્નલ પર સ્પ્રિંકલર મુકાશે. બપોરે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સ્પ્રિંકલર ચાલુ રહેશે.

હાલમાં AMC દ્વારા પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત આ સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. લોકોનો સારો પ્રતિસાદ મળશે તો આગામી દિવસોમાં તેને વધુ ટ્રાફિક સિગ્નલ પર પણ લગાવવાનું આયોજન છે. તો બીજી તરફ શહેરના 300થી વધુ ટ્રાફિક જંક્શન આવેલા છે, જેમાંથી ઓછો ટ્રાફિક ધરાવતા 120 જેટલા જંક્શનને બપોરે 12થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં મણિનગરમાં આવેલા ટ્રાફિક જંક્શન ખાતે બે દિવસથી વાહન ચાલકોને રાહત માટે પાણીનો છંટકાવ કરતા સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. જેથી સિગ્નલની નીચે ઊભા રહેલા લોકોને ગરમીમાં રાહત મળે. બપોરે 12થી સાંજે 5 સુધી આ સ્પ્રિંકલર સિગ્નલના ટાઈમિંગ પ્રમાણે ચાલુ અને બંધ થશે. આ માટે તેમાં ટાઈમર પણ સેટ કરવામાં આવ્યું છે.









