- ગીતાના સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને પરિચય કરાવાશે
- નાનપણથી જ સત્ય,સહજીવન સંસ્કૃતિ અને સહિષ્ણુતાના ગુણો શીખશે
- ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશનો સંકલ્પ વિધાનસભા ખાતે વિના વિરોધે પસાર
રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ જણાવ્યું છે કે,આપણા સૌના બાળકોમાં નાનપણથી જ સત્ય,સહજીવન, સંસ્કૃતિ અને સહિષ્ણુતાના ગુણો ખીલે એ માટે અમારી સરકારે મક્કમને નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12 માં આગામી સત્રથી ભગવદગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાનો નિર્ણય અમારી સરકારે કર્યો છે.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ સંકલ્પ રજૂ કરતાં કહ્યું કે, શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. ગીતાનું મહત્ત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે. ગીતા જ્ઞાનનો ખજાનો તો છે જ, સાથે સાથે સત્કર્મો અને સદવિચાર માટે ઉદ્દીપક પણ છે. ગીતાના તત્વજ્ઞાન થકી ગુજરાતના વિદ્યાર્થીઓ વધુ જ્ઞાની બનશે અને 'વિકસિત ભારત @2047' ના સંકલ્પને સાર્થક કરવાની દિશામાં તથા રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં મહત્વનું યોગદાન આપશે.
યુનો દ્વારા 'ગીતા ડે' ઉજવવાનો નિર્ણય કર્યો
આજે વિધાનસભા ખાતે ધોરણ 6 થી 12 માં ગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાના સંકલ્પ રજૂ કરતા મંત્રી પાનશેરીયા એ કહ્યું કે,દરેક વાલીનું સપનું હોય છે કે પોતાનું બાળક સંસ્કારી બને, જીવન જીવવાની પધ્ધતિ થી વાકેફ થાય એ માટે અમે સામાજીક ઉત્થાન માટે સામાજીક જવાબદારી થી લાવ્યા છીએ. ભારતીય સંસ્કૃતિમાં યોગ એ આપણી આગવી ઓળખ છે જેને યુનો એ પણ સ્વીકારીને વિશ્વ યોગ દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે એમ ભગવતગીતા ના મૂલ્યો ને સમજી ને યુનો દ્વારા "ગીતા ડે" ઉજવવાનો નિર્ણય કરશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
ક્યા ધોરણમાં શું કરવવામાં આવશે અભ્યાસ ?
રાજ્યની શાળાઓમાં ધોરણ-6 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. જે મુજબ ધોરણ- 6 થી 8 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે. ધોરણ- 9 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે.
આ સાથે જ મંત્રીએ જણાવ્યું કે,શ્રીમદ્ ભગવદ્ ગીતાએ ભારતના સંતો અને ક્રાંતિકારીઓને તો દિશા આપી જ છે સાથે સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાની અસર આધુનિક અને પશ્ચિમી વિચારકો ઉપર પણ ઘણી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એવો ગ્રંથ છે જેને કોઈ સીમાડા નથી. રાજ્ય સરકાર દ્વારા શાળાકીય શિક્ષણના ધોરણ- 6 થી 12 ના અભ્યાસક્રમમાં “ગીતા સાર" નો સમાવેશ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સંકલ્પ વિધાનસભા ખાતે વિના વિરોધે પસાર કરાયો હતો.









