- બહારગામથી આવતા અરજદારો અને સરકારી નોકરિયાતોને ફાયદો થશે
- જનકલ્યાણ ફાઉન્ડેશન દ્વારા કરાયેલ રજૂઆતને સફળતા મળી
- લીધે બહારગામથી આવતા અરજદારો અને સરકારી નોકરીયાતોને ફાયદો
સુરેન્દ્રનગર શહેરની કલેકટર કચેરી પાસેથી એસટી બસો પસાર તો થતી હતી. પરંતુ હોલ્ટ ન હોવાને લીધે થોભતી ન હતી. ત્યારે આ અંગે રજૂઆત કરાયા બાદ એસ.ટી. વિભાગે કલેકટર કચેરીને સ્ટોપ ફાળવ્યુ છે. આથી હવે એસટી બસો કલેકટર કચેરી પાસે થોભશે. જેના લીધે બહારગામથી આવતા અરજદારો અને સરકારી નોકરીયાતોને ફાયદો થશે.
સુરેન્દ્રનગર શહેરમાંથી ધ્રાંગધ્રા-કચ્છ, પાટડી-દસાડા તરફ જતી અને આવતી એસ.ટી.બસો રીવરફ્રન્ટ થઈને કલેકટર કચેરીના રસ્તે પસાર થાય છે. પરંતુ હોલ્ટ ન હોવાથી મુસાફરોને અહીંથી ચડવા-ઉતરવાની સુવિધા મળતી ન હતી. ત્યારે શહેરના જન કલ્યાણ ફાઉન્ડેશનના સુમીત ઉમરાણીયા દ્વારા આ અંગે વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, એસ.ટી. સલાહકાર સમીતીના સભ્ય વનરાજસીંહ રાણા, વિભાગીય નીયામક રાજકોટ અને સુરેન્દ્રનગર એસ.ટી.ડેપો મેનેજરને રજુઆત કરી હતી. જેમાં કલેકટર કચેરીએ બસ સ્ટોપ આપવાથી કલેકટર કચેરી ઉપરાંત જિલ્લા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પોલીસ વડાની કચેરી, જિલ્લા ન્યાયાલય સહિતની કચેરીઓમાં કામ અર્થે બહારગામથી આવતા અરજદારો અને અપડાઉન કરતા નોકરિયાતોને રાહત રહે તેમ જણાવાયુ હતુ. ત્યારે એસટી વિભાગે આ રજૂઆતને ધ્યાને લઈ કલેકટર કચેરીએ સ્ટોપને મંજૂરી આપી છે.










