• 33 જિલ્લાઓમાં 37 ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે
  • 12 તબક્કામાં 1567 ગરીબ કલ્યાણ મેળાનું આયોજન
  • 1.65 કરોડ દરિદ્રનારાયણોને 34596 કરોડની સહાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબોના સશક્તિકરણ માટેના ગરીબ કલ્યાણ મેળાની 13મી કડીનો આદિજાતિ વિસ્તાર ગોધરાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે કહ્યું કે, ગરીબો, વંચિતોને સરકારી યોજનાઓના લાભ હાથોહાથ પહોંચાડી તેમને આત્મનિર્ભર બનાવવા સરકાર તેમની પડખે ઊભી છે.


સરકાર ગરીબ, વંચિત, પીડિત, શોષિત, અંત્યોદય ઉત્થાનને અગ્રતા આપશે

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રીનો પદભાર સંભાળતાં જ તેમના પ્રથમ પ્રવચનમાં કહ્યું હતું કે સરકાર ગરીબ, વંચિત, પીડિત, શોષિત, અંત્યોદય ઉત્થાનને અગ્રતા આપશે. આ વાતને ગરીબ કલ્યાણ મેળાએ સુપેરે ચરિતાર્થ કરી છે. મુખ્યમંત્રીએ આદિજાતિ જિલ્લા પંચમહાલ-ગોધરાથી આ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવતાં એક જ દિવસમાં 35583 ઉપરાંત લાભાર્થીઓને 281 કરોડ રૂપિયાની વિવિધ સહાયનું વિતરણ કર્યુ હતું. રાજ્યના અન્ય જિલ્લા મથકોએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, પદાધિકારીઓએ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. 13મી કડીના આ ગરીબ કલ્યાણ મેળાઓ તા.14 અને 15 બે દિવસ માટે 33 જિલ્લા અને 4 મહાનગરો મળી 37 સ્થળોએ યોજાવાના છે.


પંચમહાલમાં 35583 લાભાર્થીઓને 281 કરોડની સહાય

રાજ્ય સરકારના કાર્યમંત્ર હર હાથ કો કામ, હર કામ કા સન્માનનો ઉલ્લેખ કરતા પટેલે જણાવ્યું કે, ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી સરકારી યોજનાઓના લાભો અને સહાય સીધેસીધા ગરીબોને હાથોહાથ આપવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 12 તબક્કામાં 1567 ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી 1.65 કરોડ દરિદ્રનારાયણોને 34596 કરોડના લાભ-સહાય હાથોહાથ પહોંચાડવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં 35583 ઉપરાંત લાભાર્થીઓને 281 કરોડની વિવિધ સહાયનું મુખ્યમંત્રી તથા મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પંચાયત વિભાગની વિવિધ 22 જેટલી યોજનાઓને સમાવી લેતી ‘આગેકૂચ’ કોફી ટેબલ બુકનું વિમોચન પણ કર્યું હતું.


  • Follow us on: