- હવે આ પ્રોજેક્ટ મંજૂરી માટે નેશનલ બોર્ડમાં મોકલાશે
- સદર પ્રોજેક્ટથી થનારી પર્યાવરણીય અસરો અંગે વનવિભાગ દ્વારા અભ્યાસ કરવામાં આવશે
- વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની કલમ-29ની જોગવાઈ ધ્યાને રાખી મંજૂર કરાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુરુવારે ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની બેઠકમાં બાલારામ-અંબાજી અભયારણ્યના ઇકો સેન્સિટિવ ઝોનમાં તારંગા હિલથી અંબાજી-આબુ રોડ સુધી નવી બ્રોડગેજ રેલવે લાઇન નાખવાની પ્રપોઝલ ક્લિયર કરાઈ છે, હવે આ ભલામણ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફને મોકલાશે.
મુખ્યમંત્રીએ બેઠકમાં રાજ્યના અભયારણ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલા મોટા પ્રોજેક્ટો માટે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવા વનવિભાગને સૂચન કર્યું હતું, તેથી તારંગા હિલથી અંબાજી-આબુ રોડ સુધી બ્રોડગેજ લાઇન નાખવાના પ્રોજેક્ટની પર્યાવરણીય અસરો અંગે પણ અભ્યાસ થશે. અભયારણ્ય વિસ્તારોમાં રેલવેલાઇન, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન, ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક જેવા પ્રોજેક્ટો હાથ ધરતા પહેલાં પર્યાવરણીય અસરો વિષયક અભ્યાસ થવો જ જોઈએ, વાઇલ્ડલાઇફ વિસ્તારોમાં ખુલ્લી જમીનો હોય, ઝાડપાન ના હોય તેનો પણ સર્વે થવો જોઈએ. બોર્ડની આ 22મી બેઠકમાં ગીર, જાંબુઘોડા, પૂર્ણા, જેસોર, નારાયણ સરોવર, કચ્છ અભયારણ્ય વગેરે વિસ્તારોમાં કાચા રસ્તા પાકા કરવા, નાળ-પુલ પહોળા કરવા- મરમ્મત કરવા, વીજળી સબસ્ટેશન ઊભા કરવા, જેવી દરખાસ્તો વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની કલમ-29ની જોગવાઈ ધ્યાને રાખી મંજૂર કરાઈ હતી. જૂનાગઢ જિલ્લામાં મઘરડી નાની સિંચાઈ યોજનામાં ઉપયોગમાં લેવાયેલી જંગલની જમીનના બદલામાં પ્રેમપરાની 38.23 હેક્ટર જમીન ફાળવાઇ છે, જે વિસ્તારને પ્રેમપરા અભયારણ્ય તરીકે જાહેર કરાયો હોવાની જાણકારી વનવિભાગ તરફથી બેઠકમાં અપાઈ હતી.










