- અનેક ફરાર આરોપીઓ વિરુદ્ધ સ્ટેટ મોનિટરીંગ સેલે એ લૂક આઉટ નોટિસ જાહેર કરી હતી
- નામ ચિન્હ સટ્ટોડીયા વિરુદ્ધ લૂક આઉટ નોટિસ જાહેર કરાઈ હતી
- આરોપી દુબઈથી ચંદીગઢ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેની ધરપકડ કરવામાં આવી
અમદાવાદમાં માધુપુરા સટ્ટાકાંડના પડઘા હજી શાંત થયા નથી,કરોડો રૂપિયાનો તોડ થયો હતો જેને લઈ પીસીબી તરલ ભટ્ટ સામે ગુનો નોંધાયો છે અને તે જેલ હવાલે થયા છે,ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ સ્ટેટ મોનિટરીંગ સેલને તપાસ સોંપવામાં આવી હતી,આ તપાસ દરમિયાન મુખ્ય આરોપી પાર્થ ઉર્ફે પોલો ફરાર હતો,ત્યારે આજે આરોપી દુબઈથી ચંદીગઢ આવતો હતો તે દરમિયાન એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી હતી.
શું હતું આ કૌભાંડ જાણો
પીસીબીએ એક વર્ષ અગાઉ 1800 કરોડનો સટ્ટો ઝડપ્યો હતો જેમાં અનેક લોકોના નામ સામે આવ્યા હતા.આ ઘટનાની તપાસને લઈ ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાત્સવે અલગ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવી હતી પણ સીટે આ તપાસ સરખી ના કરતા તેમની પાસેથી આંચકીને તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપાઈ હતી જેમાં અલગ-અલગ લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા.જેમાં પીસીબીના તત્કાલીન પી.આઈ.તરલ ભટ્ટ સહિત 4 કોન્સ્ટેબલની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી.
પીસીબી પીઆઈની જૂનાગઢ થઈ હતી બદલી
સમગ્ર ઘટનાને લઈ પીસીબી પીઆઈ અને તેમની સાથે રહેલ અન્ય કોન્સ્ટેબલોની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી,તો પીસીબી પીઆઈ તરલ ભટ્ટની જૂનાગઢ ખાતે બદલી કરાઈ હતી.તોડ કરવાને લઈ પોલીસે અલગ-અલગ જગ્યાઓ પર મિટીંગો કરી હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા તેને લઈ ચર્ચાએ જોર પકડયું હતુ,તો તરલ ભટ્ટ સામે કેસ નોંધાતા તેમને જેલ હવાલે કરાયા છે અને હજી પણ તે જેલની હવા ખાઈ રહ્યાં છે.
15 હજારમાં ભાડાનાં બેન્ક એકાઉન્ટ
પોલીસે 10 હજાર બેનિફિશિયલ બેંક એકાઉન્ટ શોધ્યા છે. તેમજ 9 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં ફ્રિજ કર્યા છે. અલગ અલગ બેંકના 1500 બેંક એકાઉન્ટ પણ ફ્રિજ કર્યાં છે. પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ રેકેટ આજકાલથી નહીં પરંતુ 2017થી ધમધમતુ હતું. આ ઉપરાંત 481 ભાડાના બેંક એકાઉન્ટ પોલીસને મળ્યાં છે. કેટલાક કિસ્સામાં તો જે વ્યક્તિને બેંક એકાઉન્ટ હોય તેને તો કરોડોના હવાલા પડયાની કોઈ જાણ જ નથી. એક બેંક એકાઉન્ટ ખોલવાનું ભાડુ 10થી 15 હજાર રૂપિયા બુકીઓ આપતા હતાં. તેમજ ગરીબ, બેરોજગાર અને જરૂરિયાતમંદ લોકોને અંધારામાં રાખીને આ બેંક એકાઉન્ટ ભાડે રાખવામાં આવ્યા હતાં.