• સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો
  • રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે ત્રાટકી ગાંધીનગરની ટીમ
  • દરોડાથી સમગ્ર પંથકમાં અને પોલીસબેડામાં પણ ચકચાર મચી

રાણાવાવના આદિત્યાણા ગામે રહેણાંક મકાનમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ત્રાટકી 576 લીટર દેશીદારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. જયારે, અન્ય બે શખ્સોના નામ ખુલ્યા છે. ગાંધીનગરની ટીમના દરોડાને પગલે અનેક ચર્ચાઓ જાગી છે.

રાણાવાવના આદિત્યાણા ગામે રહેતા કાનાભાઈ લક્ષ્મણભાઈ ગુરગુટીયા તથા રાજાભાઈ જગાભાઇ ગુરગુટીયા નામના શખ્સો બહાર થી દેશીદારૂનો જથ્થો મંગાવી બાળ કુવારી માતાના મંદિર પાસે રહેતા સીદાભાઈ પોલાભાઈ ગુરગુટીયા નામના શખ્સના રહેણાંક મકાનમાં કોથળીઓમાં પેકિંગ કરી ત્યાંથી જ વેચાણ કરતા હોવાની માહિતી ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી. આથી, મોનીટરીંગ સેલના પીએસઆઈ એસ. આર. શર્મા સહિતના સ્ટાફે રાત્રીના 3 વાગ્યે રાણાવાવથી ખાનગી વાહન મારફતે આદિત્યાણા જઈ સીદાભાઈના ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાંથી, 576 લીટર દેશી દારૂ, કેરબા, દારૂની કોથળીઓ મળી કુલ રૂ. 12,800નો મુદામાલ કબ્જે કર્યો હતો અને સીદાભાઈની આકરી પુછપરછ કરતા આ દારૂ તેના બન્ને ભત્રીજા કાનાભાઈ લક્ષ્મણભાઈ તથા રાજાભાઈ જગાભાઇનો હોવાની કબુલાત આપી હતી. છેલ્લા એક માસથી તે બન્ને દાતણીયા તથા સાત વીરડા નેસમાંથી લાવી અને પોતાના ફળિયામાં પેકિંગ કરી વેચાણ કરતા હોવાની કબુલાત આપી હતી. પોલીસે તે બન્ને શખ્સો સામે પણ ગુન્હો નોંધી બન્નેની શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, બરડા ડુંગરના નેસમાં અનેક સ્થળોએ દેશીદારૂની ભઠ્ઠીઓ આવેલી છે અને અહીંથી જ જીલ્લાભરમાં ઉપરાંત ભાણવડ અને જામજોધપુર સહિતના આસપાસના ગામોમાં પણ સપ્લાય કરવામાં આવે છે. સ્થાનિક પોલીસ દ્વારા આંખ આડા કાન કરતા આ મામલે કોઈએ સ્ટેટ મોનીટરીંગ સેલને જાણ કરી હતી. જેના પગલે આ દરોડો પાડ્યો હતો. જેના પગલે સમગ્ર પંથકમાં અને પોલીસબેડામાં પણ ચકચાર મચી છે.


  • Follow us on: