સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે.નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 2 સેમીનો વધારો થયો છે.હાલ નર્મદા ડેમની જળ સપાટી 138.46 મીટરે પહોંચી છે.ઉપરવાસમાંથી 1,44540 ક્યુસેક પાણીની આવક થઈ છે.નર્મદા નદીમાં કુલ 80836 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.નર્મદા ભરૂચ અને વડોદરાના ગામોને કરાયા એલર્ટ.
ડેમના દરવાજા ખોલાયા
નર્મદા ડેમના 10 દરવાજા 1.35 મીટર ખોલવામાં આવ્યા છે જેના કારણે 42 કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે.હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ મોટાભાગના જિલ્લાઓમાં ધડબડાટી બોલાવી છે. ત્યારે સરદાર સરોવર સંપૂર્ણ ભરાવાથી ખૂબ જ નજીક છે. નર્મદા ડેમમાં 98 ટકા નર્મદા ડેમ ભરાયો છે. તેમજ 138.44 મીટરે નર્મદા ડેમની સપાટી પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે.આ ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 24 સેન્ટીમીટર દૂર છે.
થંડરસ્ટ્રોમ સિસ્ટમ સક્રિય
આજના દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટ્રોમ વોર્નિંગ રહેશે.વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં ચારથી પાંચ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે. સાથે જ આજે અમદાવાદ-ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે ગુજરાતમાં વરસાદમાં ઘટાડો નોંધાવવાની શક્યતા છે. જ્યારે આવતી કાલથી વરસાદ ખૂબ જ ઓછો જોવા મળશે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ ટ્રફ લાઈનના કારણે વરસાદ થઈ રહ્યો છે. આ ટ્રફ લાઈન ઉત્તર-પૂર્વ અરબ સાગર સુધી લંબાયેલી છે.
સરદાર સરોવર નર્મદામાં 98 ટકા જળસંગ્રહ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો આવી ચૂક્યો છે. હાલ સરદાર સરોવરમાં 98 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. તેમજ ઉપરવાસમાંથી હજુ પણ પાણીની આવક થવાની શક્યતાના પગલે નર્મદા ડેમ પણ નજીકના દિવસોમાં ઓવરફ્લો થવાની પૂરી શક્યતા છે. નર્મદા ડેમમાં રાજ્યના 173 શહેર અને 9490 ગામના અંદાજે 2.90 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના 18.45 લાખ હેકટરમાં સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે.









