[[$googlead]]
સુરત શહેરમાં આપઘાત કેસમાં વધારો થયો છે. શહેરમાં છેલ્લા 50 દિવસમાં 80થી વધુ લોકોએ આપઘાત કર્યા છે. જેમાં 60થી વધુ પુરૂષ અને 20થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. જુદા જુદા કારણોસર જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે. સ્ત્રી કરતાં પુરુષોના આપઘાતના કેસો સૌથી વધુ સામે આવ્યા છે અને ગુજરાતમાં સામૂહિક આપઘાતના કેસમાં સુરત મોખરે છે.

આર્થિક સંકડામણની સ્થિતિ આપઘાત માટે સૌથી વધારે જવાબદાર

ઉલ્લેખનીય છે કે હાલની આર્થિક સંકડામણની સ્થિતિ આપઘાત માટે સૌથી વધારે જવાબદાર છે. આજની જનરેશનમાં પુરૂષોમાં આપઘાતનું પ્રમાણ વધ્યું છે અને ગુજરાતમાં વિદ્યાર્થીઓના આપઘાતમાં 21 ટકાનો વધારો થયો છે. હાલમાં યુવાધન બેફામ ખર્ચ ભવ્ય લાઈફસ્ટાઈલ જીવવા માટે કરે છે અને બચતના નામે માત્ર મીંડુ જોવા મળે છે. બીજી તરફ સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં થતા આત્મહત્યાના બનાવો સંબંધે પોલીસ દ્વારા તેને અટકાવવા માટે એક વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

બીમારીઓથી કંટાળીને 452 લોકોએ આત્મહત્યા કરી

સુરતના તમામ ડીસીપીના નેતૃત્વમાં એક કમિટીની રચનામાં કરવામાં આવી છે. પોલીસે 8128369100 અને 8128308100 હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે. ફોન નંબર ઉપર પોલીસની સાથે કાઉન્સિલર પણ હશે અને કોલના આધારે સ્થળ પર પહોંચીને જ સમસ્યાનું નિવારણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ વર્ષમાં 1,866 જેટલા આત્મહત્યાના કેસો નોંધાયા છે. જેમાં પારિવારિક સમસ્યાઓથી 492 લોકોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે તો બીમારીઓથી કંટાળીને 452 લોકોએ આત્મહત્યા કરી છે. જ્યારે વ્યાજ અને દેવું વધી જતા એવા 355 લોકોએ આત્મહત્યા કરી છે. પ્રેમ પ્રકરણમાં 104 લોકોએ આત્મહત્યા કરીને પોતાના જીવ ગુમાવ્યા છે તો ડિપ્રેશનના કારણે 218 લોકોએ આત્મહત્યા કરી છે. બ્લેકમેલના કારણે 37 લોકોએ આત્મહત્યા કરી, અભ્યાસમાં સફળતા ન મળવાના કારણે પણ 200 લોકોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે હેલ્પલાઈન નંબર કર્યો જાહેર

ત્યારે હવે સુરત પોલીસ દ્વારા આત્માહત્યા નિવારણ હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ હવે લોકોને આત્મહત્યાનો વિચાર આવે તો તાત્કાલિક ધોરણે 8128369100 અને 8128308100 બંને નંબર ઉપર ફોન કરીને મદદ મેળવી શકાશે, આ બંને નંબર 24 કલાક કાર્યરત રહેશે અને ફોન નંબર ઉપર પોલીસ કોન્સ્ટેબલ અને તેમની સાથે કાઉન્સિલર પણ હશે અને સ્થળ ઉપર જ સમસ્યાનું નિવારણ કરાશે. સુરત પોલીસ દ્વારા આત્મહત્યા રોકવા માટેનો આ પ્રયાસ છે.
  • Follow us on: