• સાબરકાંઠા સહિત અન્ય સ્થળે 3થી 10 ફેબ્રુ. દરમિયાન માવઠાનો તોળાતો ભય

  • દિનપ્રતિદિન વાતાવરણમાં ફેરફાર થવાથી બે ઋતુનો અનુભવ થશે
  • સાબરકાંઠા સહિત અન્ય સ્થળે માવઠુ થવાની આગાહી કરી છે

સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં લગ્નની મોસમ ખીલી ઉઠી છે ત્યારે ઠંડીએ પણ પોતાનો મિજાજ બતાવી દીધો છે. તો બીજી તરફ આગામી તા. 3 થી 10 ફેબ્રુઆરી દરમિયાન વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ચિતરીયાના જ્યોતિષીએ વધુ એક વખત સાબરકાંઠા સહિત અન્ય સ્થળે માવઠુ થવાની આગાહી કરી છે. જેના લીધે ખાસ કરીને ઘઉં અને ચણાના પાકને નુકસાન થવાની શક્યતા નકારી શકાતી નથી.આ અંગે જ્યોતિષ દેવશંકર ભટ્ટના દાવા મુજબ તા. 4 ફેબ્રુઆરી બુધ અસ્ત થશે અને સૂર્ય ઘનિષ્ઠામાં પ્રવેશ કરશે. જેના લીધે ફેબ્રુઆરીમાં કેટલાક દિવસ ઠંડીનો વધુ અનુભવ થાય તો નવાઈ નહી. આ ઉપરાંત સમગ્ર દેશના હવામાનમાં પલ્ટો આવી શકે છે. જે અંતર્ગત પોષ વદી નોમને તા. 4 ફેબ્રુઆરી સૂર્ય ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને બુધ 5 ફેબ્રુઆરી અસ્ત થશે. આ સંજોગોમાં સૂર્ય તથા બુધ બંને ગ્રહો વાયુ તત્વમાં આવી જશે. સૂર્ય અને બુધની યુતિ થવાથી તથા શનિનો વાયુતત્વમાં અરિષ્ટ યોગ ઉભો થતો હોવાથી તા. 3 થી 10 ફેબ્રુઆરી સુધીમાં માવઠું થઈ શકે તેમ છે. ઉત્તર પર્વતીય પ્રદેશમાં પણ સામાન્ય હિમ વર્ષા થઈ શકે છે આગામી દિવસોમાં સૂર્ય પૃથ્વીની નજીક આવતો હોવાને કારણે દિવસે ગરમીનો અનુભવ થશે અને રાત્રે તથા પરોઢીયે ઠંડીનો અહેસાસ થશે. બીજી તરફ રવિ સીઝનમાં વાવેતર કરાયેલ ઘઉં અને ચણાનો પાક પાકીને તૈયાર થઈ જવાની અણીએ આવીને ઉભો છે ત્યારે જો જ્યોતિષીઓના માનવા મુજબ માવઠુ થશે તો ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ શકે છે. ગત વર્ષે પણ આવી જ સ્થિતી સર્જાઈ હોવાને કારણે જિલ્લાના ખેડૂતોને લાખ્ખો રૂપિયાના નુકસાન ગયા વર્ષે થયું હતુ.


  • Follow us on: