સુનિતા વિલિયમ્સ નાસાના અભિયાનને પૂર્ણ કરી પૃથ્વી પર પરત ફરી રહ્યા છે. ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર પરત ફરવાને લઈને તેમના વતન ઝુલાસણ ગામના લોકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નોંધનીય છે કે દેશની દીકરી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બૂચ વિલ્મોર અંતરિક્ષમાં 9 મહિનાના રોકાણ બાદ આવતીકાલે 19 માર્ચના રોજ બંને અવકાશયાત્રી પૃથ્વી પર પરત ફરી રહ્યા છે.
ઝુલાસણ ગામના વતની સુનિતા વિલિયમ્સ
મહેસાણાના ઝુલાસણ ગામના વતની સુનિતા વિલિયમ્સની તેમના વતનવાસીઓ આતુરતાથી રાહ જોઈએ રહ્યા છે. સુનિતા વિલિયમ્સના વતનવાસીઓ તેમના ધરતી પરના સફળ ઉતરાણને લઈને પ્રાર્થના કરી રહ્યા છે. ઝુલાસણ ગામના એક અગ્રણીએ જણાવ્યું કે અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ 3 વખત તેમના વતન ઝુલાસણ ગામની મુલાકાત લીધી છે. સૌ પ્રથમ સુનિતા વિલિયમ્સે બાળપણમાં ઝુલાસણની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બીજી વખત 2006માં અને ત્યારપછી ત્રીજી વખત 2012 માં સ્પેસમાંથી પરત આવ્યા બાદ સુનિતા વિલિયમ્સે પોતાના વતન ઝુલાસણની મુલાકાત લીધી હતી. એટલે કહી શકાય કે સુનિતા વિલિયમ્સ ભલે અમેરિકામાં રહેતા હોય કે અંતરિક્ષમાં સફર કરતા હોય પરંતુ તેમના વતનને ભૂલતા નથી.
ઝુલાસણ આવશે તો કરીશું સ્વાગત
નાસાના 8 દિવસના સ્પેસ અભિયાનમાં સામેલ થયેલ સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં અટવાયા. અંતે 9 મહિનાના રોકાણ બાદ અવકાશયાત્રી ગગન પરથી ધરતી પર આવતીકાલે 19 માર્ચના રોજ ઉતરાણ કરવાના છે. તેમના ઝુલાસણના વતનવાસીઓ પણ આ ક્ષણની આતુરતાથી રાહ જોઈએ રહ્યા છે. ઝુલાસણના ગ્રામજનોનું કહેવું છે કે અમને આશા છે સ્પેસમાંથી પરત ફર્યા બાદ સુનિતા વિલિયમ્સ તેમના વતન ઝુલાસણની અવશ્ય મુલાકાત લેશે. દેશની દીકરી તરીકે અને ઝુલાસણ ગામનું નામ રોશન કરનાર અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ જ્યારે ચોથી વખત ઝુલાસણ આવશે ત્યારે અમે તેમનું ભવ્ય સ્વાગત કરીશું.
ગામમાં દિવાળી જેવો માહોલ
ઝુલાસણના અગ્રણીએ જણાવ્યું કે સુનિતા વિલિયમ્સ સલામત રીતે પૃથ્વી પર પાછા ફરે ત્યારે ઝુલાસણમાં દિવાળીની જેમ ફટાકાડા ફોડી આતશબાજી કરવામાં આવશે. અમે ગામમાં એક અખંડ ધુન અને અખંડ જ્યોતથી શોભાયાત્રા કાઢીશું. અગાઉ પણ જ્યારે તેઓ પૃથ્વી પર પરત ફરવાના હતા ત્યારે પણ અમે જયોત જલાવી શોભાયાત્રા કાઢી હતી પરંતુ તેમના મિશનમાં વિલંબ થવાથી તેઓ ધરતી પર પાછા ફરી શકયા નહોતા. તે દિવસથી આજ દિવસ સુધી મંદિરમાં તેમના ફોટા સાથે અખંડ જ્યોત આજે પણ ચાલુ છે. અને આવતીકાલે જ્યારે તેઓ અંતરિક્ષમાંથી સફળ રીતે પૃથ્વી પર પાછા ફરશે ત્યારે આ જ અખંડ જયોત સાથે ધુનના નાદ સાથે આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવશે. ઝુલાસણ ગામમાં આવતીકાલે દિવાળી જેવો માહોલ જોવા મળશે.









