• આણંદ-ખેડા જિલ્લામાં 21 હજાર હેક્ટર ઉપરાંત જમીનમાં ડાંગરની રોપણી થઈ

  • ઉનાળું ડાંગર માટે સૌથી વધુ પાણીની જરૂરિયાત વર્તાય છે
  • તમાકુ, શાકભાજી, ઘાસચારો તથા કેળ સહિતના અન્ય પાકોનો સમાવેશ થાય

ચરોતરની નહેરોમાં આગામી તારીખ 31 માર્ચ, 2024 સુધી પાણીનો સપ્લાય ચાલુ રાખ્યા બાદ બંધ કરવામાં આવનાર છે. એટલે ખેડૂતોને હવે 31 માર્ચ સુધી તો સિંચાઈના પાણી મળી રહેશે. આણંદ અને ખેડા જિલ્લામાં અંદાજે 21 હજાર હેકટર ઉપરાંત જમીનમાં ઉનાળું ડાંગરની રોપણી થવા પામી છે. હજુ આગામી દિવસોમાં ડાંગરનું વાવેતર વધશે. ડાંગર તથા અન્ય ખેતી પાકો માટે સિંચાઈના પાણીની અત્યંત આવશ્યકતા હોવાથી હજુ દસથી અગિયાર દિવસ મહી સિંચાઈની કેનાલો મારફતે પાણી પૂરૂ પાડવામાં આવશે. ચરોતરના ખેડૂતોના જણાવ્યા મુજબ દર વર્ષની જેમ આ વખતે પણ સૌથી વધુ ઉનાળું ડાંગરની ખેતી કરવામાં આવી છે. આ ઉપરાંત તમાકુ, શાકભાજી, ઘાસચારો તથા કેળ સહિતના અન્ય પાકોનો સમાવેશ થાય છે. ગરમીની સીઝનમાં પાણીની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખી પાણીનો સપ્લાય હાલ ચાલુ રાખવામાં આવ્યો છે. કડાણા ડેમમાં હાલ 64.30 જેટલો પાણીનો જથ્થો છે. એટલે ગરમીની સીઝનમાં પાણીની જરૂરિયાતને પહોંચી વળાશે એવી આશા રાખવામાં આવી રહી છે. જોકે, 1લી એપ્રિલથી પાણીનો સપ્લાય બંધ કરાયા બાદ ફક્ત કનેવાલ તળાવમાં પીવાના પાણીના સ્ટોક માટે દર અઠવાડિયાથી દસ દિવસ સુધીમાં પાણી છોડવામાં આવશે. હાલમાં રોજના 3,100 ક્યૂસેક પાણી છોડવામાં આવે છે.

આણંદ અને ખેડા જિલ્લામાં ઉનાળાની સીઝનમાં મુખ્યત્વે ડાંગરની ખેતી કરવામાં આવે છે. ચાલુ વર્ષે પાછલા કેટલાક વર્ષોની સરખામણીમાં ડાંગરની વધુ પ્રમાણમાં ખેતી કરવામાં આવી છે. તેથી ખેડૂતોના જણાવ્યા મુજબ સિંચાઈ માટે પાણીની જરૂરિયાત પણ વધુ રહે છે. જોકે, બીજા પાકો માટે પાણીની જરૂરિયાત વર્તાય છે. તેથી હાલ પાણીનો સપ્લાય ચાલુ રાખવામાં આવ્યો છે. 31 માર્ચ સુધીમાં હજુ ડાંગર તથા તમાકુ સહિતના પાકોની ખેતી વધશે. તેથી પાણીની જરૂરિયાત પણ વધશે.


  • Follow us on: