ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિમાં તુર્કિયે દ્વારા પાકિસ્તાનને સમર્થન આપતાં ભારતમા તુર્કિયેને બોયકોટ કરવા અભિયાન શરૂ થયું છે. બીજી તરફ ભારતે તુર્કિયેની એવિયેશન કંપનીનું સિક્યુરિટી ક્લિયરન્સ અટકાવતા કંપનીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં. હવે સુરતમાં આ ઘટનાના પડઘા પડયાં છે. શહેરમા તુર્કિયેની કંપની ગુલેરમેક દ્વારા 300 કામદારોની હકાલ પટ્ટી કરતા હોબાળો થયો હતો.
કંપનીએ કાનપુરના કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરમાં તુર્કિયેની કંપની ગુલેરમેક દ્વારા 300 કામદારોને છુટા કરતા હોબાળો મચી ગયો હતો. ગુલેરમેક કંપનીએ 4 પેટા કોન્ટ્રાક્ટરના 300 કામદારોની હકાલપટ્ટી કરી હતી. કંપનીએ હકાલપટ્ટીની સાથે ત્રણ મહિનાનું પેમેન્ટ નહીં કરતાં કામદારોએ હોબાળો મચાવ્યો હતો. કંપનીમાં લાઈન-1 ભૂગર્ભ પેકેજના કામદારોને છૂટા કરતા રોષ ફેલાયો હતો. હવે કંપનીએ કાનપુરના કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું હોવાનું જાણવા મળ્યું છે.
હકાલપટ્ટી કરતા 300 કામદારો બેકાર બન્યા
કંપનીએ હકાલપટ્ટી કરતા 300 કામદારો બેકાર બન્યા હતાં. આ ઘટના પાછળ ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિ બાદ સમસ્યા વધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કામદારોએ મેટ્રો અને ગુલેરમેકની ઓફિસ પાસે હોબાળો મચાવ્યો હતો. ત્રણ મહિનાનું પેમેન્ટ નહીં મળતા કામદારો રોષે ભરાયા હતાં. કંપનીએ કામદારોને છુટા કરીને કાનપુરના કોન્ટ્રાક્ટરને કામ સોંપતા અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.









